મુખ્યમંત્રીએ ૨૫૬ કરોડના ખર્ચે ભાવનગર શહેરના વિકાસલક્ષી ૭ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
ભાવનગર :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર શહેરમાં રૂ. ૨૫૫.૬૧ કરોડના ખર્ચે હાથ ધરાયેલ પ્રજાલક્ષી કામો આધુનિક ફ્લાય ઓવર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1332 આવાસોનું ઈ-ખાતમુહૂર્ત તથા ગંગાજળિયા તળાવનું રી-ડેવલપમેન્ટ, રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરનું ઈ- લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગરે ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી તથા પ્રભાશંકર પટ્ટણી જેવા કુશળ શાસકો આપ્યા છે. રાષ્ટ્રના એકીકરણ માટે કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય રાષ્ટ્રના ચરણોમાં સમર્પિત કરવાની પહેલ કરી હતી. પ્રભાશંકર પટ્ટણી દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરાયેલ વિશેષ કામગીરી ઇતિહાસમા સુવર્ણ અક્ષરે અંકિત છે. ભાવનગરે કોરોના જેવી મહામારીમા પણ વિકાસની યાત્રા ચાલુ રાખી પ્રજાલક્ષી વિકાસના કાર્યો પૂર્ણ કર્યા છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોરોના મહામારીમાં ગુજરાત રાજ્યે કરેલ કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવાઈ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના સંક્રમણને ખાળવા ભાવનગરમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. કર્મચારી, અધિકારી તથા લોકોના સહિયારા પ્રયાસથી આજે ગુજરાતમાં અન્ય રાજ્યોના પ્રમાણમાં કોરોના અંગે અસરકારક કામગીરી થઈ છે અને તેથી જ ગુજરાતનો રિકવરી રેટ દેશમાં સૌથી ઊંચો છે. કોરોના સંક્રમણને ખાળવા ગુજરાતની રણનીતિ સફળ રહી છે. મૃત્યુ દર ઘટયો છે તેમજ પોઝિટીવીટી રેટ પણ હવે ઘટવા માંડયો છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતની સરકાર પારદર્શક, સંવેદનશીલ અને લોકહિતને ધ્યાને રાખી ત્વરિત નિર્ણય લેનારી સરકાર છે. લોકોની લાગણીને સમજી તેમની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરવા કટિબધ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદર્શ ગુજરાત મોડલનું સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યું છે.
ભાવનગરના સર્વાંગી વિકાસની નેમ વ્યકત કરતા તેમણે ઉમેર્યુ કે સી.એન.જી. પોર્ટ, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, શૈક્ષણિક ક્ષેત્ર, રસ્તાઓ-ફલાયઓવર, હીરા ઉદ્યોગ, રોલિંગ મિલ, નલ સે જલ યોજના સહિતના તમામ ક્ષેત્રે ભાવનગરનો વિકાસ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિકાસને કેન્દ્રમાં રાખી ઉત્તમ થી સર્વોત્તમ તરફ આગળ વધવાની રાજ્ય સરકારની નેમ છે. તેમણે લોકાર્પિત થનારા વિકાસ કામોનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ભાવનગર શહેર Is of doing નહિ પણ Is of livingમાં પણ શ્રેષ્ઠ બને તેવી અભ્યર્થના કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે ભાવનગર શહેરમાં સૌ પ્રથમ વખત ૨૫૫ કરોડથી વધુના લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ૧૪૦૦ દિવસની અંદર મુખ્યમંત્રીશ્રીએ લોકહિતના ૧૫૦૦ જેટલા નિર્ણયો લઈ ગુજરાતને વિકાસની રાહ પર આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કરેલ સંવેદનશીલ નિર્ણયોની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ રજવાડા વખતના કૃષ્ણકુમારસિંહજીએ હાથ ધરેલા ટી.પી.સ્કીમ, લોકગેટ, રિઝર્વ ફોરેસ્ટ સહિતના વિકાસ કાર્યોને યાદ કર્યા હતા.
ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર શહેરમા પ્રથમ ફલાયઓવરની ભેટ અપવા બદલ ભાવનગરની જનતા વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે આ આધુનિક ફોરલેન ફલાયઓવર થકી લોકોની સુખાકારીમાં વધારો થશે.ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે કોવિડ-19ની સ્થિતિમાં આરોગ્યની સાથેસાથે વિકાસના કામોને પણ પ્રાધાન્ય આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મેયર શ્રી મનહરભાઈ મોરી, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિલેશ રાવલ, શાસક પક્ષના નેતા શ્રી પરેશભાઈ પંડ્યા, ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ.એ.ગાંધી, નાયબ કમિશ્નર શ્રી ગોહિલ તથા શ્રી કુકડીયા, સીટી એન્જિનિયર શ્રી ચાંદારણા તથા મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.