રોનાલ્ડો 100 આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારનારો પ્રથમ યુરોપીયન ખેલાડી, સર્વાધિક ગોલના વર્લ્ડ રેકોર્ડથી હવે આઠ જ ગોલ દૂર
સ્ટોકહોમ :
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સ્વિડન સામેની નેશન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉપરાઉપરી બે ગોલ ફટકારતાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૧૦૦ ગોલના માઈલસ્ટોનને પાર કર્યો હતો અને ટીમને ૨-૦થી વિજય અપાવ્યો હતો. આ સાથે રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ગોલની સદી પૂરી કરનારો સૌપ્રથમ યુરોપીયન ખેલાડી બની ગયો છે. તેણે પ્રથમ ગોલ ફટકારતાં ૧૦૦ ગોલ પૂરા કર્યા હતા અને ત્યાર બાદ તેના કુલ ગોલની સંખ્યાને ૧૦૧ સુધી પહોંચાડી હતી.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ૧૦૯ ગોલનો વિશ્વવિક્રમ ઈરાનના અલી ડાઈના નામે છે અને રોનાલ્ડો તેના રેકોર્ડથી માત્ર આઠ જ ગોલ પાછળ છે. સ્વિડનના સ્ટોકહોમમાં આવેલા ફ્રેન્ડ્સ એરિના સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં રોનાલ્ડોએ હાફ ટાઈમ પહેલા ૪૫મી મિનિટે ફ્રિ-કીકને ગોલમાં ફેરવતા કારકિર્દીનો ૧૦૦મો આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવ્યો હતો. રોનાલ્ડોએ તેની કારકિર્દીમાં ૫૭મી વખત ફ્રિ-કીકને સીધી ગોલમાં ફેરવી હતી. જે પછી મેચની ૭૨મી મિનિટે ગોલ નોંધાવતા તેેણે ટીમની જીત સુનિશ્ચિત કરી હતી અને કારકિર્દીનો ૧૦૧મો ગોલ ફટકાર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં રમતાં હોય તેવા ખેલાડીઓમાં તો સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ રોનાલ્ડોના નામે છે. જ્યારે હાલમાં રમી રહ્યા હોય તેવા ખેલાડીઓની યાદીમાં ભારતનો સુનિલ છેત્રી ૭૨ ગોલ સાથે બીજા અને આર્જેન્ટીનાનો લાયોનેલ મેસી ૭૦ ગોલ સાથે ત્રીજા સ્થાને છે. રોનાલ્ડોના લગભગ અડધોઅડધ આંતરરાષ્ટ્રીય ગોલ તેના ૩૦માં જન્મદિવસ પછી નોંધાયેલા જોવા મળે છે. તેણે ૩૦માં જન્મદિન બાદ ૪૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૪૯ ગોલ ફટકાર્યા છે.