ગાંધીનગર કોર્પોરેશન પેપરલેસ થવાથી અરજદારોને હવે ધક્કા નહીં ખાવા પડે : અમિત શાહ
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકા સહીત જિલ્લામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ દ્વારા ૧પ.૧ કરોડના કામોનું ઈ-લોકાર્પણ તથા ૧૧૯.૬૩ કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જયાં તેમણે કહયું હતું કે કોર્પોરેશનની કામગીરી પેપરલેસ થઈ જવાથી હવે અરજદારોને ધક્કા નહીં ખાવા પડે. કોરોનાનું સંક્રમણ દેશ અને ગાંધીનગરના વિકાસની ગતિને અવરોધી શકશે નહીં.
કોરોના કાળમાં વિકાસના કામોના પણ ઓનલાઈન લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત થઈ રહયા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લામાં હાથ ધરાયેલા કરોડો રૂપિયાના વિકાસ કામો ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પિત થયા હતા. જયારે ૧૧૯.૬૩ કરોડના કામોનું તેમણે ઈ-ખાતમુહુર્ત કર્યું હતું. તેની સાથે કલોલ તાલુકાના આદરજ મોટી ગામે ૯૦ લાખની વધુના ખર્ચે કન્યા શાળાના ૧૧ વર્ગખંડ અને મોટી ભોયણ ગામે શાળા નં.૧માં ૩૩ લાખના ખર્ચે નવા ચાર વર્ગખંડનું ઈ-ખાતમુહુર્ત કર્યું હતું. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસણ, સરઢવ, આદરજ મોટી, સોનીપુર, ઉનાવા, પીંપળજ, જલુંદ, પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના ર૩ જેટલા કામોનું પણ ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ.૩૮ કરોડના ખર્ચે ગાંધીનગર કોર્પોરેશનની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. પેપરલેસ કામગીરીના કારણે અરજદારોને કચેરીના ધક્કા ખાવા માટે મુક્તિ મળવાની સાથે કરપ્શન પણ અટકશે. નાગરીકો વહીવટી તંત્ર સાથે ઓનલાઈન સંવાદ સાધી શકશે. તેમણે આ તબક્કે કોરોના કાળમાં જરૂરીયાત મંદોની પડખે ખભે ખભો મિલાવીને કામ કરનાર કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કહયું હતું કે શહેર અને ગ્રામ્યમાં રસ્તાના નવીનીકરણ થવાની આવાગમન સરળ અને ઝડપી બનવાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે. જયારે બગીચાના નવીનીકરણથી શહેરની સુંદરતા વધવાની સાથે લોકો સ્વસ્થ તંદુરસ્ત બનવાની સાથે તણાવમુક્ત પણ રહી શકશે. કોરોનાનું સંક્રમણ દેશ અને ગાંધીનગરના વિકાસની ગતિને અવરોધી શકશે નહીં. લોકડાઉન સહિતના દિવસો પસાર થઈ ગયા છે ત્યારે દરેક કામોને વધુ ગતિશીલ બનાવી દેવાયા છે. ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે તે બદલ હું ગાંધીનગરના નાગરિકોનો આભારી છું.
તો આ પ્રસંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે કહયું હતું કે નાગરિક સુવિધા અને નગરના સૌદર્યના કામ હાથ ધરાવાથી વહીવટ અને વિકાસ સાથે ચાલશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નાજાભાઈ ઘાંઘર, સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા સહિત અધિકારીઓ અને કોર્પોરેટરો હાજર રહયા હતા.