કોરોના વેક્સિનને લઈને કેન્દ્રની તૈયારીઓમાં ગુજરાત પણ જોડાયું
કોરોના વાયરસ વેક્સીન આગામી વર્ષની શરૂઆત સુધી લોન્ચ થવાની આશા છે. ત્યારે સરકારે વેક્સીનના સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તૈયારીઓની ઝડપ વધારી દીધી છે. કેન્દ્ર સરકાર વધુ જગ્યાઓ શોધી રહી છે. કોલ્ડ સ્ટોરેજ પર ફોકસ છે, કેમકે મોટાભાગની વેક્સીનને એક નિશ્ચિત તાપમાન પર રાખવી અને ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય છે. જો, તાપમાન બદલાય તો વેક્સીન નકામી થઈ જાય છે. આ દિશામાં હવે કોરોના વેક્સીનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સિનને લઈને હાલ ગુજરાતીઓ માટે ગર્વથી છાતી ફૂલાય તેવા ખુશખબર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સિનને લઈને કેન્દ્ર સરકારની તૈયારીઓમાં હવે ગુજરાત પણ જોડાયું છે. વેક્સિન માટે ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ ચાલું કરી દેવામાં આવ્યો છે.
કોરોના વેક્સિન સૌ પ્રથમ દેશમાં કોને આપવી તેના માટે સરકારે ડેટાબેઝ તૈયાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને ફ્રન્ટલાઈન વર્કર્સનો ડેટાબેઝ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં વેક્સિન પહોંચી શકે તેના માટે તેનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે ગુજરાતમાં સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટશન અંગે સોફ્ટવેર બનાવાશે. ગુજરાતમાં સોફ્ટવેર માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ડાયરેક્ટર દ્વારા ગુજરાતના તમામ મ્યુનિસિપલ કમિશનરો, કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખવામાં આવ્યા છે. જેમાં હેલ્થ કેર વર્કર્સના કોવિડ-19 રસીકરણના આયોજન અંગે સૂચનાઓ અપાઈ છે. દેશમાં કોવિડની રસી ઉપલબ્ધ થાય ત્યારે હેલ્થ કેર વર્કર્સને આ રસી આપી શકાય તે માટે હેલ્થ કેર વર્કર્સની યાદી 22મી ઓક્ટોબર સુધી તૈયાર કરવા જણાવી દેવાયું છે. રાજ્ય કક્ષાએ કામગીરીના નોડલ અધિકારી તરીકે મિશન ડાયરેક્ટર અને જિલ્લા કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર, મ્યુનિ. કમિશનરને નિયુક્ત કરવામાં આવ્યા છે.