આજથી ગુજરાત હાઇકોર્ટની ઓનલાઇન કામગીરી કરાઈ શરૂ
કોરોના કેસ વધતા હાઈકોર્ટ 16થી 19 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી હતી
રાજ્યમાં કોરોના વાયરસનું જોર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે, તેમ છતાં અમુક જગ્યાઓએ કોરોના વિસ્ફોટના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી એકવખત કામગીરી શરૂ કરવામાં આવી છે. તમને જણાવીએ કે ગુજરાત હાઈકોર્ટમાં ચાર દિવસ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટમાં કોરોનાના કેસ વધતા તેની કામગીરી 4 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ 16થી 19 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજથી ગુજરાત હાઇકોર્ટની ઓનલાઇન કામગીરી શરૂ થવા જઈ રહી છે. કોરોના સંક્રમણના કારણે ત્રીજી વાર ગુજરાત હાઇકોર્ટની કામગીરી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
16થી 19 ઓક્ટોબર સુધીના ચાર દિવસના સમય ગાળા દરમિયાન ગુજરાત હાઇકોર્ટના સમગ્ર પરિસરને સેનેટાઇઝ કરવામા આવ્યુ હતું. કર્મચારીઓનો પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન લિસ્ટ થયેલા કેસોની સુનાવણી આજે હાથ ધરાશે. આજથી એકી-બેકી ફોર્મ્યુલાના આધારે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ ચેમ્બરમાં વકીલોને પ્રવેશ આપવામાં આવશે. હાઇકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલ સવારે 10.30થી 02.30 સુધી તેનો ઉપયોગ કરી શકશે. માત્ર એક જ જુનિયર વકીલ ઓફિસમાં કાર્યરત રહી શકશે. ચાર દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના કેસ નોધાતા અને કોરોનાનું સંક્રમણ વધતા ચીફ જસ્ટિસ દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાર દિવસ તંત્ર દ્વારા કોર્ટનો તમામ સ્ટાફ ક્વોરોન્ટાઈન થયો હતો અને હાઇકોર્ટ પરિસરનો તમામ સ્ટાફ અને રજીસ્ટ્રી વિભાગનો સ્ટાફ કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કરાયો હતો.
કોરોનાના સંક્રમણના લીધે ગુજરાત હાઈકોર્ટનું જ્યુડિશિયલ અને વહીવટી કામકાજ ચાર દિવસ માટે (16.10.20થી 19.10.20) બંધ રાખવાનો નિર્ણય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા લેવામાં આવ્યો હતો. ચીફ હાઈકોર્ટના કેમ્પસમાં સ્થિત તમામ કાર્યાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ, રજીસ્ટ્રી સ્ટાફના કર્મીઓના એન્ટીજન ટેસ્ટ કરાશે. આ ચાર દિવસના સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના પરિસરમાં સ્થિત તમામ બ્લિડિંગ્સમાં સેનિટાઈઝેશન અને સ્વચ્છતાની કામગીરી ધરાશે.