ગિરનાર રોપ વે, કિશાન યોજના, હૉસ્પિટલ, ત્રણેય પ્રોજેક્ટ ‘શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્ય’નું પ્રતિક: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વે, 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદની બાળકો માટે યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું પણ વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિગ કરવામાં આવ્યું છે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમદાવાદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. ગુજરાતનાં ત્રણેય પ્રોજેક્ટનાં લોકાર્પણ સમયે પીએમ મોદીએ પોતાનું સંબોધન ગુજરાતીમાં શરૂ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ શરૂમાં કહ્યું કે, નમસ્કાર, આપ સહુને નવરાત્રીનાં પાવન પર્વની અનેક અનેક શુભકામનાઓ. જે બાદ તેમણે કહ્યું કે, ગુજરાતના ભાઇઓ અને બહેનો માટે નવરાત્રીનાં પાવન પર્વમાં ત્રણ મોટા મહત્ત્વનાં પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે.
આ ત્રણેય પ્રોજેક્ટ, શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હંમેશાથી અસાધારણ સામર્થ્યવાળા લોકોની ભૂમિ રહી છે. તેમણે સર્વોદય યોજના અંગે જણાવ્યું કે, ખેડૂતોને રાતની જગ્યાએ સવારે વીજળી મળશે તો નવી સવાર થશે. હું ગુજરાત સરકારને પણ શુભેચ્છા આ માટે આપું છું. ખેડૂતો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના વપરાશ પણ કરી શકશે અને તેમાથી વધેલી વિજળી વેચી પણ શકશે. દેશભરમાં આશરે સાડા સત્તર લાખ ખેડૂતોને આની મદદ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સિંચાઇ અને પાણીના ક્ષેત્રમાં સારુ કામ કર્યુ છે. ખેડૂતને વધારે વીજળી મળે ત્યારે તેણે પાણી બચાવવા પર પણ જોર આપવાનું રહેશે. ‘ગુજરાતમાં શક્તિનો વાસ છે’તેમણે વધુમાં જણાવ્યું કે, ગિરનાર પર્વત પર હજારો પગથિયા ચઢીને ઉપર જાય છે તેને અદભૂત શાંતિનો અનુભવ થાય છે.
આ રોપવેથી બધાને દર્શનનો લાભ મળશે. રોપવેથી અહીં વધુમાં વધુ પ્રવાસીઓ આવશે. ગુજરાતમાં અનેક માતાજીનાં પ્રસિદ્ધ મંદિર છે જે ગુજરાતને આશીર્વાદ આપે છે. ગુજરાતમાં શક્તિનો વાસ છે. તેમણે દ્વારકા પાસેના શિવરાજ સમુદ્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેને બ્લૂ ફ્લેગ સર્ચિફિકેટ મળ્યું છે. ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં પ્રવાસન સ્થળ વિકસી શકે અને તેનાથી રોજગારી ઉભી થઇ શકે. અમદાવાદનાં કાંકરિયા પાસેથી કોઇ પસાર થતું ન હતુ પરંતુ થોડા રિનોવેશન અને સુવિધાઓ આપવાથી વર્ષનાં 75 લાખ પ્રવાસીઓ ત્યાં આવે છે. વિશ્વમાં ફેલાયેલા ગુજ્જુ ભાઇઓ લોકોને ગુજરાતનાં ટુરિસ્ટ ડેસ્ટિનેશનથી પરિચિત કરાવે.