સુશાંત કેસને લઇ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને એમ્સના રિપોર્ટની સમીક્ષાની માગ કરી
સુશાંત સિંહ ડેથ કેસમાં શરૂઆતથી જ ન્યાયની માગ કરી રહેલા ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. તેણે પીએમને AIIMSના રિપોર્ટની સમીક્ષા કરવાની માગ કરી છે. સાથે જ તેણે લખ્યું કે જો વડાપ્રધાન તરફથી તેમના લેટરનો કોઈ જવાબ નહીં આવે તો તે કોર્ટ પણ જઈ શકે છે. આ પહેલાં 12 ઓક્ટોબરે પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મૃત્યુ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે મૃત્યુના દિવસે, જે ગ્લાસમાં સુશાંતે ઓરેન્જ જ્યુસ પીધું હતું તેને સુરક્ષિત કેમ રાખવામાં ન આવ્યું. આમાં કોઈ આશ્ચર્ય નથી કે મુંબઈ પોલીસે તે એપાર્ટમેન્ટ સીલ ન કર્યો જેમાં ઘટના ઘટી હતી. જ્યારે, અપ્રાકૃતિક મૃત્યુમાં આવું કરવું જરૂરી હોય છે.
ડો. સુધીર ગુપ્તાની લીડરશિપમાં બનેલી એમ્સની ફોરેન્સિક ટીમે તેના ફાઇનલ રિપોર્ટમાં કહ્યું હતું કે આ ક્લીયર કટ આત્મહત્યાનો કેસ છે. રિપોર્ટમાં હત્યાની વાતને નકારી દેવામાં આવી હતી. એમ્સના રિપોર્ટથી સુશાંતનો પરિવાર સંતુષ્ટ નથી. એક્ટરના પિતાના વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે, એમ્સના ડોક્ટર ટીવી ચેનલ્સ પર જઈને તેમના મત રજૂ કરી રહ્યા છે પરંતુ રિપોર્ટ સાર્વજનિક નથી કર્યો.
તેમણે એવું પણ કહ્યું હતું કે મીડિયામાં ડોક્ટર્સના આવા સ્ટેટમેન્ટ મેડિકલ કાઉન્સિલની એથિકલ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન છે. તેણે એમ્સના રિપોર્ટને કરપ્ટ ગણાવ્યા હતા. ફોરેન્સિક ટીમના રિપોર્ટ સામે આવ્યા બાદ અમુક દિવસ પહેલાં વિકાસ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેણે ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના એક સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરીને સીબીઆઈ પાસે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી હતી. વિકાસ સિંહે કહ્યું હતું કે જ્યારે મેં ડોક્ટર ગુપ્તાને સુશાંતના બોડીના ફોટોઝ બતાવ્યા હતા તો તેમણે કહ્યું હતું કે આ 200% ગળું દબાવીને જીવ લેવાનો કેસ છે, આત્મહત્યા નથી.