ગુજરાત

સરકાર કર્ફ્યૂ નાંખે છે ને ભાજપના જ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દિવાળીના સ્નેહમિલન કરે.

ગાંધીનગર :

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાનો ફરી હાહાકાર મચ્યો છે અને સ્થિતિને કાબૂમાં લેવા એકબાજુ સરકારે અમદાવાદ સહિત ચાર શહેરોમાં કરફ્યુ લાદયો છે. બીજી તરફ, અગાઉ પેટાચૂંટણીના પ્રચારમાં બેશરમ બનીને લોકોને ભેગા કરીને કોરોના વિસ્ફોટ કરવામાં ભાગીદાર બનેલા ભાજપના નેતાઓ હજી સબક શીખ્યા નથી. ગઈકાલે ભાજપના ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ તેઓના મત વિસ્તારના ગામડામાં દિવાળીનું સ્નેહમિલન યોજ્યું હતું. આટલેથી ન અટકતા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ પોતે માસ્ક પણ પહેર્યો ન હતો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ પણ કર્યો હતો.
ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના સ્નેહમિલન કાર્યક્રમમાં નિયમોના લીરેલીરા ઉડ્યાં છે. ગારીયાધાર વિધાનસભા મતવિસ્તારના જેસર તાલુકાના ઉગલવાણ ગામે ગઈકાલે ભાજપનું નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુદ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો તેમજ માસ્ક પણ પહેર્યો ન હતો અને બાદમાં લોકોને શીખામણ આપી કે, નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું પડશે. વિચારવાની વાત એ છે કે, જો ભાજપ સરકારના ધારાસભ્ય જ આવું કહી રહ્યાં હોય તો સામાન્ય પ્રજાનો શું વાંક ?
કોરોનાની મહામારીમાં ભાજપના નેતાઓને નિયમો લાગુ પડતા નથી. ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના નિવેદનથી લોકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે, શું કોરોના મહામારીના નિયમો સામાન્ય લોકોને જ લાગુ પડે છે, નેતાઓને લાગુ પડતા નથી. એક તરફ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકાર દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે. તેમજ રાત્રી કર્ફ્યૂ પણ ૭મી ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. આવામાં ભાજપે સ્નેહમિલનના કાર્યક્રમમાં નિયમોનો ઊલાળિયો કર્યો હતો. ભાજપના નેતાઓને કોરોના લાગુ પડી શકે નહીં તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x