રાષ્ટ્રીય

કોરોનાની વેક્સીન આવવાનો સમય આપણે નક્કી ન કરી શકીએ. આ વૈજ્ઞાનિકોના હાથમાં છે : PM મોદી

નવી દિલ્હી :
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. અમુક રાજ્ય અને શહેરોમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. અહીં બીજી લહેર જોવા મળી રહી છે. આ દરિયાન પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કોરોના વેક્સીન અંગે પણ વાતચીત કરતી હતી. બેઠક બાદ પણ પીએમ મોદીએ સંબોધન દરમિયાન વેક્સીન અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, “અમુક લોકો કોરોનાની રસી ક્યારે આવશે તેનો સમય પૂછી રહ્યા છે. વેક્સીનને લઈને રાજકારણ કરી રહ્યા છે. હું તેમને રાજકારણ કરવાથી તો ન રોકી શકું પરંતુ એટલું કહી શકું કે વેક્સીન આવવાનો સમય આપણે નક્કી ન કરી શકીએ. આ વૈજ્ઞાનિકોના હાથમાં છે.
પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વેક્સીનને લઈને વિપક્ષ સરકાર પર સતત હુમલા કરી રહ્યું છે. થોડા સમય પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને સવાલ પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું કે- 1) તમામ વેક્સીન કેન્ડિડેટ્સમાંથી સરકાર કોની પસંદગી કરશે અને શા માટે? 2) વેક્સીનના વિતરણની રણનીતિ શું હશે અને વેક્સીન કોને પહેલા મળશે? 3) શું મફતમાં રસીકરણ માટે PM CARES ફંડનો ઉપયોગ થશે? 4) તમામ ભારતીયોને ક્યાં સુધી રસી લાગી જશે?
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસો બાદ ભારત આજે કોરોનાથી લડવાની અન્ય દેશ કરતા સારી સ્થિતિમાં છે. આપણો સાજા થવાનો દર વધ્યો છે અને મોતનું પ્રમાણે ઘટ્યું છે. આપણે આગળ પણ આવા પ્રયાસો શરૂ રાખવા પડશે. કોરોનાનો રિકવરી રેટ વધતા લોકોમાં બેદરકારી પણ વધી છે. હું ફરી ફરીને કહું છું કે જ્યાં સુધી કોઈ દવા ન આવી જાય ત્યાં સુધી જરા પર બેદરકારી મંજૂર નથી. પીએમ મોદીએ શાયરાના અંદાજમાં કહ્યું કે, “આપણે એવી સ્થિતિ નથી લાવવાની કે જ્યારે કહેવું પડે કે અમારું વહાણ ત્યાં જ ડૂબ્યું જ્યાં પાણી ઓછું હતું. (હમારી કશ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા.)
પીએમ મોદીએ કહ્યુ કે, વેક્સીન આવ્યા બાદ અગ્ર મોરચે લડી રહેલા લોકો તમામની પ્રાથમિકતા હોવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક સાથે કામ કરવું પડશે. વેક્સીન આપવાનું કામ પારદર્શક રીતે કરવામાં આવશે. વેક્સીન અંગે તમામ રાજ્ય પોતાના સૂચનો લેખિતમાં આપી શકે છે. કોઈ પર પણ નિર્ણય થોપવામાં નહીં આવે. વેક્સીન દરેક કસોટી પર ખરી ઉતરશે, પરંતુ હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. વેક્સીનની કિંમત શું હશે? કેટલા ડોઝ હશે, એ તમામ વાત હજુ નક્કી નથી કરવામાં આવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x