ગુજરાત

અમદાવાદમાં કોરોનાએ લીધો ભરડો: ખાનગી હૉસ્પિટલોમાં ફક્ત 143 બેડ જ ખાલી !

અમદાવાદ :
શહેરમાં કોરોના સંક્રમણ વધતા સરકારી બાદ ખાનગી હૉસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યાં છે. અમદાવાદ શહેરમાં 80 ખાનગી હૉસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમા એક અંદાજ મુજબ 2,800 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, 2800 બેડની સામે આજની તારીખે (24-11-2020) ફક્ત 143 બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ઘણા લાંબા સમય પછી શહેરમાં ખાલી બેડની સંખ્યા 150થી નીચે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આવી હાલત વચ્ચે પણ હાલ સતત ખાનગી હૉસ્પિટલોમાં પૂછપરછ માટે ફોનકોલ આવી રહ્યા છે. એટલે કે આગામી સમયમાં આ સ્થિતિ વધારે વણસી શકે છે.
અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીએ ચિંતા વ્યક્ત કરતા આ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, “જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ખાનગી હૉસ્પિટલના બેડ ખૂટી પડશે. સાથે સાથે કોવિડ માટે નવી હૉસ્પિટલો ઊભી કરવી પડશે.”
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પહેલીવાર ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાની ખાલી બેડની સંખ્યા 150થી નીચે આવી છે. આજની તારીખે શહેરમાં ખાનગી હૉસ્પિટલમાં 143 બેડ ખાલી છે. હાલ ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશનમાં 1,056 દર્દી દાખલ છે અને 62 બેડ ખાલી છે. એવી જ રીતે HDUમાં 981 દર્દી દાખલ છે અને 59 બેડ ખાલી છે. ICUમાં વેન્ટિલટર વગર 388 દર્દી દાખલ છે અને ૧૧ બેડ ખાલી છે. આ ઉપરાત ICU વિથ વેન્ટિલેટરમાં168 દર્દી દાખલ છે, જેમાં ૧૧ બેડ ખાલી છે.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટ્વીટ કરીને ખાલી બેડની માહિતી આપતા જણાવ્યું છે કે, આજની તારીખમાં AMC ક્વૉટામાં સવારના 11 વાગ્યે 801 બેડ ખાલી છે. આ સાથે જ તબીબોએ લોકોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન કરવાની વિનંતી કરી છે. તબીબો કહી રહ્યા છે કે કોરોના સામે લડવા માટે હાલમાં એક માત્ર હથિયાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જો આ બંનેનું પાલન નહીં થાય તો કેસની સંખ્યામાં વધારો થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x