ગુજરાત હાઈકોર્ટના જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે બે દુખદ સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેમને કોરોના ડિટેકટ થયો હતો. ગઇકાલે રાત્રે તેમની તબિયત વધારે લથડી પડી હતી અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જીઆર ઊંધવાણીની કોરનાને લઇને સાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ સારવાર દરમિયાન અચાનક તબિયત લથડતા તેમનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઊંઘવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી.
અમદાવાદમાં સતત 15 દિવસથી 300 કરતા વધુ કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 298 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે. રાત્રી કર્ફ્યૂ છતાં સંક્રમણમાં ઘટાડો નથી થઈ રહ્યો.