ગાંધીનગરગુજરાત

દિલ્હી બાદ મધ્યપ્રદેશમા પ્રા.શાળાઓ માર્ચ સુધી બંધ રાખવા આદેશ, તો ગુજરાત સરકાર કેમ નિર્ણય લેતી નથી ?

ગાંધીનગર :
મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ ગુજરાત સરકાર આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતી ન હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે શાળાકીય અભ્યાસ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, એવી માગણી ઊઠી છે. વાલીઓનું કહેવું છે કે ધો.1થી 8ની પ્રાથમિક શાળાઓ અંગેનો નિર્ણય લેવામાં સરકાર મોડું કરી રહી હોવાનું કારણ એવું છે કે શાળા-સંચાલકોએ લીધેલી તોતિંગ ફી પરત આપવી ના પડે અને વાલીઓ અને સંચાલકો વચ્ચે વિવાદ ના થાય એ માટે ડિસેમ્બરના અંત સુધી સરકાર ચોક્કસ નિર્ણય લેવાના મૂડમાં નથી.
ગુજરાતમાં શાળાઓ શરુ કરવા અને પરીક્ષાના મુદ્દે શિક્ષણ વિભાગ અસમંજસ પરિસ્થિતિમાં છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે ધો.1થી8ની શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ બહાર પાડ્યો છે. એ જોતાં ગુજરાતના વાલીઓની પણ માગણી ઊઠી છે કે રાજ્યના શિક્ષણ વિભાગે ધો.1થી 8ના વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અસરથી નિર્ણય લેવો જોઈએ કે આ વર્ષે શાળાઓ શરૂ થશે કે નહીં, પરીક્ષા લેવાશે કે નહીં? જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધો,9થી 12ની શાળાઓ અંગે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને અસમંજસમાં રાખવાને બદલે ચોક્કસ નિર્ણય જાહેર કરવો જોઈએ.
મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારે આગામી 31 માર્ચ સુધી ધો.1થી8ના વર્ગો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે, પરંતુ ઓફફલાઈન શિક્ષણ બંધ રખાશે. આગામી 1 એપ્રિલથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરાશે, જોકે 1લી એપ્રિલથી શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય પણ કોવિડની ત્યારની સ્થિતિ પ્રમાણે લેવાશે. અગાઉ દિલ્હીની કેજરીવાલ સરકાર પણ માર્ચ સુધી શાળાઓ શરૂ નહીં કરવાનો નિર્ણય લઈ ચૂકી છે. મધ્યપ્રદેશમાં ધો. 8 સુધીના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા પણ નહીં લેવાય, પરંતુ એકમ કસોટી-પ્રોજેક્ટ વર્કના આધારે પ્રમોશન અપાશે. ધો. 10 અને ધો. 12ના વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે, જ્યારે ધો. 9 અને ધો. 11ના વર્ગો સપ્તાહમાં એક કે બે દિવસ બોલાવાઈ શકે છે.
વર્ષની અંતિમ પરીક્ષાઓ મામલે સરકારનાં મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પાસે પહેલાંથી જ ‘નો-ડિટેન્શન’ પોલિસી છે’, સરકાર માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન પરીક્ષા લેવા માટે મુક્ત છે. અમે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ટેસ્ટ પેપર્સ આપીશું, જેના જવાબ તેમણે ઘરેથી લખવાના રહેશે’, તેમ મુખ્ય અધિકારીએ કહ્યું હતું.
કોરોનાના કહેર વચ્ચે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ થયા બાદ હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. અગાઉ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે, એવી જાહેરાત સરકારે કરી હતી. જોકે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ થઈ શકી નથી. માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ 60 ટકા વિદ્યાર્થીઓ તો ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો 40 ટકા જ બાળકો ઓનલાઇન ભણે છે. જો સ્કૂલો દિવાળી બાદ બંધ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસના 100થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર 100 દિવસ જ મળશે. આટલા દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની તૈયારીઓ કરી રહ્યું છે.
ધોરણ 9 અને 11ના મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવા વિચારણા
સૂત્રો મુજબ, ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલો શરૂ ન થાય તો ધોરણ 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડે એવી સ્થિતિ છે, જ્યારે ધોરણ 9 અને 11માં માત્ર ત્રણ મુખ્ય વિષયની વાર્ષિક પરીક્ષા લઈને પરિણામ જાહેર થઈ શકે તેમ છે. જ્યારે બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે, એમાં પણ 30 ટકા અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે અને OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે એવી શક્યતાઓ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x