ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન મોદી રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સવારે અચાનક જ દિલ્હીના રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા. જ્યાં તેમણે સર્વોચ્ચ બલિદાન માટે ગુરૂ તેગબહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું. રાયસીના હિલ્સની પાછળ આવેલ આ ગુરૂદ્વારામાં છેલ્લાં 25 દિવસથી ‘સિખ સમાગમ’ ચાલી રહ્યું છે. અધિકારીઓના મતે પીએમની વિઝિટ માટે કોઇપણ પ્રકારના પોલીસ બેરિકેડિંગ કરાયું નહોતું. પીએમ મોદી એવા સમયમાં રકાબગંજ ગુરૂદ્વારા ગયા જ્યારે દિલ્હીમાં પંજાબના હજારો ખેડૂત નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ આંદોલનરત છે. તેમણે હવે દેશભરના ખેડૂત સંગઠનોનું સમર્થન મળી ચૂકયું છે. ખેડૂત સંગઠનોની નારાજગીની વચ્ચે પ્રધાનમંત્રી એ દરેક શકય અવસર પર નવા કાયદા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિષ કરી છે.
એસોચેમનો કાર્યક્રમ હોય કે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાતચીત, પીએમ વારંવાર સપ્ટેમ્બરમાં લાગૂ નવા કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યા છે. તેમણે ખેડૂત સંગઠનો સાથે વાતચીતની અપીલ પણ કરી હતી. મોદીએ 18 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે મારી વાતો પછી પણ, સરકારના આ પ્રયાસો બાદ પણ, જો કોઇને કોઇ આશંકા છે તો અમે માથુ ઝૂકાવીને, હાથ જોડીને, ખૂબ જ વિનમ્રતાની સાથે, દેશના ખેડૂતોના હિતમાં, તેમની ચિંતાનું નિરાકરણ કરવા માટે, દરેક મુદ્દા પર વાત કરવા માટે તૈયાર છે. ખેડૂતોનું મુખ્ય આંદોલન દિલ્હી-હરિયાણાની વચ્ચે આવેલ સિંઘુ બોર્ડર પર થઈ રહ્યું છે.
પંજાબની વિવિધ હોસ્પિટલોના તબીબી સ્ટાફ અહીં પહોંચ્યો છે. લુધિયાણાની એક હોસ્પિટલમાં નર્સ હર્ષદીપ કૌરે કહ્યું કે, “અમે અહીં આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા આવ્યા છીએ, પરંતુ જો કોઈ બીમાર પડે તો અમે અહીં છીએ. દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલ ગાજીપુરમાં આંદોલનકારી ખેડૂત આજે ‘શહીદી દિવસ’ મનાવી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના દિલ્હી-એનસીઆર ચીફ સેક્રેટરી માંગે રામ ત્યાગીએ કહ્યું કે અમે આજે શહીદી દિવસ મનાવી રહ્યા છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ જેમણે આ આંદોલન દરમ્યાન પોતાનો જીવ આપી દીધો.