ત્રણ દિવસમાં ૩૦૦થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું
ગાંધીનગર,
ગાંધીનગર શહેરમાં ફેબુ્રઆરી માસની શરુઆતથી બ્લડ ડોનેશન કેમ્પ શરુ થયા છે. જેમાં પ્રથમ દિવસે શૈક્ષણિક સંકુલના કેમ્પમાંથી ગાંધીનગર સિવિલને ૯૭ બોટલ બ્લડ મળ્યું હતું. જ્યારે રાજભવનમાંથી અમદાવાદ અને ગાંધીનગર સિવિલ બન્ને હોસ્પિટલોને જરૃરીયાત પ્રમાણે લોહીની બોટલો એકત્રીત કરી હતી.જ્યારે માર્ગ અને મકાન વિભાગના કેમ્પમાં પણ સારા ડોનરો આવ્યા હતા. આમ છેલ્લા ત્રણ દિવસમાં ગાંધીનગરમાં ૩૦૦થી વધુ બોટલ બ્લડ એકત્રીત કરાયું હતું.
ગાંધીનગર શહેરને ભલે કર્મચારીઓની નગરી કહેવામાં આવે પરંતુ આ કર્મચારીઓ દિલના એટલા ઉદાર છે કે, નગરના ભરત કવિ જેવા ડોનરે તો સોથી પણ વધુ વખત બ્લડ ડોનેટ કરીને વિક્રમ સર્જ્યા છે.
તો નગરની જુનિયર સિટિઝન કાઉન્સિલ અને રેડક્રોસ સોસાયટી પાસે બ્લડ ડોનરોના કોન્ટેક નંબરવાળી ડિક્સનરી પણ તૈયાર છે જે અણીના સમયે ઘણા દર્દીઓ માટે ઉપયોગી બની છે.ત્યારે શિયાળો પુરો થવા આવે ત્યારે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલી રેડક્રોસ અને અન્ય સંસ્થાઓ દ્વારા રાજકિય, સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે.
જેમાં આ વખતે ગાંધીનગરમાં પહેલી ફેબુ્રઆરીએ એલડીઆરપી કોલેજ ખાતે યોજાયેલા કેમ્પમાંથી ગાંધીનગર સિવિલને ૯૭ બોટલો બ્લડની મળી હતી. ત્યાર બાદ રાજભવનના કેમ્પમાં ગાંધીનગર સિવિલને ૧૫૫ જ્યારે અમદાવાદ બ્લડબેન્કને તેનાથી પણ વધારે લોહીની બોટલો મળી હતી. ત્યારે તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોજાયેલા કેમ્પમાં પણ થેલેસેમિયાના બાળદર્દીઓ માટે ઘણી બોટલો એકત્રીત કરવામાં આવી હતી.
તો આવતીકાલે તા.૫મીએ સે-૧૩ ગુરુકૃપા હોસ્ટેલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર છે જેમાં ગાંધીનગર સિવિલને ૫૦થી વધુ લોહીની બોટલો મળે તેવી આશા છે. જ્યારે ત્યાર બાદ તા.૧૨મીએ મહારાષ્ટ્ર ભવન ખાતે તેમજ તા.૧૬મીએ સમર્પણ કોલેજ ખાતે કેમ્પ યોજાશે જેમાં ૧૨૦થી વધુ બોટલોનો અંદાજ છે.આમ, હવેના ત્રણ કેમ્પમાંથી પણ ૨૫૦થી વધુ બોટલ બ્લડ ગાંધીનગર સિવિલ એકત્રીત કરશે.