લાંચ લેનાર ફોરેસ્ટર એસીબીની ટીમને જોઈ ભાગ્યો
ગાંધીનગર,
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવા માટે એસીબી દ્વારા ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે. ત્યારે દહેગામના રખિયાલ બીટના ફોરેસ્ટરે લાકડા ભરેલું ટ્રેકટર છોડી મુકવા માટે ચાર હજારની લાંચ માંગી હતી. આ સંદર્ભે એસીબીમાં ફરિયાદ કરતાં ગઈકાલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. કારમાં બેસીને ફોરેસ્ટર તેમજ તેનો માણસ રૃપિયા સ્વીકાર્યા હતા તે દરમ્યાન જ એસીબીની ટીમને જોઈ આ બન્ને આરોપીઓે નાસી છુટયા હતા. આ સંદર્ભે ગાંધીનગર એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થાય તે હેતુથી ગુજરાત એસીબી દ્વારા છેલ્લા ઘણાં સમયથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એસીબી દ્વારા ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયા છે જેમાં આવા લાંચિયા અધિકારી, કર્મચારીઓની વિગત આપવા માટે જાણ કરવામાં આવી છે જેના પગલે એસીબીને આવા અધિકારી, કર્મચારીઓ સામે વ્યાપક ફરિયાદો મળી રહી છે અને તેમને પકડવા માટે પણ ખાસ ટીમો કામે લાગી ગઈ છે.
ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા રખિયાલ બીટના ફોરેસ્ટર હિતેશ દંતાણીએ લાકડા ભરેલું ટ્રેકટર પકડયું હતું અને તે છોડી મુકવા માટે ટ્રેકટર માલિક પાસેથી ચાર હજાર રૃપિયાની માંગણી કરી હતી. તેમજ આ રૃપિયા આપશે તો હવે પછી તેનું ટ્રેકટર નહીં પકડાય તેવી બાંહેધરી પણ આપી હતી. છેલ્લે મામલો બે હજાર રૃપિયામાં નક્કી થયો હતો. દરમ્યાનમાં ટ્રેકટર માલિકે આ સંદર્ભે એસીબીમાં ફરિયાદ કરતાં ગઈકાલે સાંજે ગાંધીનગર એસીબી પીઆઈ ક્રીષ્નાબા ડાભી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું.
જે અંતર્ગત આ ફોરેસ્ટર તેની કારમાં તેના વચેટીયા સુરેશ સાથે હાજર હતો અને ફરિયાદીએ બે હજાર રૃપિયા સુરેશને આપ્યા હતા તો એસીબીની ટીમ આવી હોવાની ગંધ આવી જતાં આ ફોરેસ્ટર કાર લઈને નાસી છુટયો હતો. જેથી એસીબીએ તેની સામે ગાંધીનગર કચેરી ખાતે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. આ આરોપીને ઓડીયો વિડીયો રેકોર્ડીંગ પણ એસીબી પાસે આવી ગયું છે.