અમદાવાદની સિમ્સ હોસ્પિટલે કોરોના દર્દીને લૂંટ્યો, AMCએ કરી લાલઆંખ
અમદાવાદ :
કોરોનાની સારવારમાં નિયત દર કરતાં વધુ ચાર્જ વસૂલીને દર્દી પાસેથી ઉઘાડી લૂંટ ચલાવનાર અમદાવાદની સિમ્સ હોસ્પિટલ સામે એએમસીએ લાલઆંખ કરી છે. કોરોનાના દર્દી પાસેથી ૧૭.૭૬ લાખનું તોતિંગ બિલ વસૂલાતાં એએમસીએ સિમ્સ હોસ્પિટલને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. કોરોનાના રોગની સારવારમાં નિયત દર કરતાં વધુ ચાર્જ વસૂલતી અન્ય ખાનગી હોસ્પિટલોમાં એએમસીના આ આકરાં વલણના કારણે હાલ દોડધામ મચી ગઈ છે.
સમગ્ર કેસની વિગત જોઈએ તો અમદાવાદના અતુલભાઈ એસ. શાહ દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના ભાઈ કલ્પેશભાઈ શાહને કોરોના થતાં તા.ર/૭/ર૦ર૦ના રોજ સિમ્સ હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર પેટે કુલ રૂ.૧૭,૭૬,૧૩ર વસૂલ કરવામાં આવ્યા હતા.
આ ફરિયાદના આધારે એએમસીના ડે.કમિશનર મનીષકુમાર બંસલને તપાસ સોંપવામાં આવી હતી. જેની તપાસ પૂર્ણ થતાં ડે.કમિશનર બંસલે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના દર્દી કલ્પેશભાઈ શાહને તા.ર જુલાઈના રોજ સિમ્સ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયા હતા. ત્યાં દર્દીને આપવામાં આવેલી ૩ર દિવસની સારવારનું રૂપિયા ૧૭,૭૬,૧૩રનું ફાઈનલ બિલ આપવામાં આવ્યું હતું. જે રકમ દર્દી દ્વારા જમા કરી દેવાઈ હતી.
પરંતુ ફાઈનલ બિલમાં દર્શાવેલા ચાર્જિસ હાઈકોર્ટના આદેશ મુજબ એએમસીએ નક્કી કરેલા નિયત પેકેજ કરતાં ઘણા વધારે જણાઈ આવ્યા હતા. એટલું જ નહીં કલ્પેશભાઈને ૩ર દિવસ પૈકી ૧૯ દિવસ જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ કેસમાં બેઝિક સારવારના ચાર્જ ઉપરાંત એડ ઓન ચાર્જના નામે રૂપિયા પ,ર૦૦ પ્રતિદિન વસૂલ કરવામાં આવ્યા હતા. જે એએમસીના સિલિંગ રેટ લિમિટ મુજબનો ચાર્જ નથી. સિમ્સ હોસ્પિટલ દ્વારા બેઝિક ઈન્વેસ્ટિગેશનનો ચાર્જ અલગથી કરવામાં આવ્યો છે
આ ઉપરાંત ડોક્ટરોની વિઝિટ, રુટિન મેડિસિનનો ચાર્જ જેવા વધારાના બિનજરૂરી ચાર્જ વસૂલાયા હોવાનું જણાયું હતું. ફરિયાદમાં તથ્ય જણાતાં એએમસીએ તા.૧ર/૧૦/ર૦ર૦ના રોજ સિમ્સ હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારાઈ હતી. પરંતુ સિમ્સ હોસ્પિટલે કરેલો ખુલાસો એએમસીના ગળે ઊતર્યો નહોતો. આથી આજે સિમ્સ હોસ્પિટલને પાંચ લાખનો દંડ ફટકારતો આદેશ કરવામાં આવ્યો હતો.
પેકેજમાં સામેલ ચાર્જ અલગથી વસૂલાયા
સિમ્સ હોસ્પિટલે કોરોના જેવી મહામારીમાં માનવતા નેવે મૂકીને દર્દીઓને તોતિંગ બિલ ફટકાર્યા હોવાનું ખુદ ડે.મ્યુનિ.કમિશનરની તપાસમાં ખુલ્યું છે. તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે સિમ્સ હોસ્પિટલે એડ ઓન ચાર્જના નામે પ,ર૦૦ રૂપિયા પ્રતિદિન વસૂલ્યા છે. બેઝિક ઈન્વેસ્ટિગેશનનો ચાર્જ અલગથી વસૂલ્યો હતો. જ્યારે આ મૂળભૂત તપાસો પેકેજનો એક ભાગ જ છે. ડોક્ટર વિઝિટ ચાર્જ પેટે પણ પ,પ૦૦ રૂપિયા તથા ૭,પ૦૦ રૂપિયા પ્રતિ વિઝિટ વસૂલ કરેલા છે. ટુડી ઈકોના ૬,૪૦૦ તથા આઈએલ૬ના ૪,૯૦૦ તથા પીસીટીના ૩,૭૧૦ ચાર્જ વસૂલાયો હતો જે નિયત દર કરતાં ઘણા વધારે હતા.
ઘટનાનું પુનરાવર્તન થશે તો સિમ્સ સામે ફરિયાદ થશે
એએમસીએ સિમ્સ હોસ્પિટલને પાંચ લાખનો દંડ ફટકારતાં જણાવ્યું હતું કે દંડની આ રકમનો ઉપયોગ એએમસી દ્વારા કોરોનાના દર્દીઓના સારવાર ખર્ચ માટે કરવામાં આવશે.
આ ઉપરાંત સિમ્સ હોસ્પિટલને તાકીદ કરાઈ છે કે આવી ઘટનાનું જો પુનરાવર્તન થશે તો હોસ્પિટલનું સી ફોર્મ રદ કરવામાં આવશે. તેમજ એપેડેમિક એક્ટ અને આઈપીસી કલમ મુજબ સિમ્સ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધવામાં આવશે.