કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ : બ્રિટનથી સુરતના હઝીરા આવેલી મહિલા કોરોના સંક્રમિત
સુરત :
કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે ઈંગ્લેન્ડથી હઝીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે પરિણીતાના સંપર્કમાં આવેલી તેની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરતના નવા સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે, જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણેયનાં સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
યુકે નિવાસી 32 વર્ષીય પરિણીતા ક્રિસમસની રજા હોવાથી ગત 10મી ડિસેમ્બરના રોજ હઝીરામાં રહેતાં માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. ત્યાર બાદ ગત 20મીએ આ પરિણીતા યુકે પરત જવા નીકળી હતી. દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ બંધ હોવાથી પરત સુરત આવવું પડ્યું હતું.
સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત 27મીએ પરિણીતા અને તેના સંપર્કમાં આવેલાં માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં પરિણીતા તેમજ તેની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યતંત્ર ચોંકી ઊઠ્યું હતું, જ્યારે પરિણીતાના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
યુકેની પરિણીતા અને તેની માતા તથા બહેનની સારવાર કરનારા સિવિલના મેડિસિન વિભાગના ડો. વિવેક ગર્ગે જણાવ્યું હતું કે બુધવારે સવારે ત્રણેયને દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ છે. ત્રણેયની તબિયત હાલ નોર્મલ જણાઈ રહી છે. જરૂરી રિપોર્ટ કરવા સાથે સારવાર ચાલી રહી છે.
યુકેથી આવેલી પરિણીતા અને તેના સંપર્કમાં આવેલી માતા તેમજ બહેનને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્યતંત્રમાં હડકંપ મચી ગઈ છે. કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી. અહીં કોરોના પોઝિટિવ બીજા દર્દીઓને પણ રાખવામાં આવ્યા નથી. આ ત્રણેય દર્દીની સારવારમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.