ગાંધીનગરમાં પ્લાસ્ટીકની બેગનું કોર્પોરેશને ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગર :
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે ઘણા દિવસ પછી કોર્પોરેશન દ્વારા અચાનક આજે સે-ર૧ શાકમાર્કેટ અને આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક સંદર્ભે ચેકીંગ હાથ ધરતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કોર્પોરેશનના ઝોનલ ઓફીસરો અને સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા આ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં શખ્સોને દંડ ફટકારી ૭.૭૦૦ કિલો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે જાહેરમાં ગંદકી કરતાં લોકો અને માસ્ક ના પહેરેલા લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશને કુલ ૧ર૪૦૦ રૃપિયાનો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. અચાનક આવેલા આ ચેકીંગના પગલે શાકમાર્કેટના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. તો આવનારા દિવસોમાં પણ આ પ્રકારે ચેકીંગ હાથ ધરીને પ્લાસ્ટીકના ઉપયોગ સામે પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહયું છે.