ચાઈનિઝ એપ ટિકટોકને ભારતીય માર્કેટમાં પ્રવેશ મળવાની શક્યતા ધૂંધળી : 2 હજાર કર્મચારીઓને છૂટા કર્યા
નવી દિલ્હી :
ચીની કંપની બાઈટડાન્સે ભારતમાં તેનો બિઝસેન સંકેલવા માંડયો છે. આ કંપની ભારતમાં તેની એપ ટિકટોકથી પ્રસિદ્ધ છે. ભારતીય યુઝર્સનો ડેટા અને જાસૂસી સહિતની કામગીરીના મુદ્દે ભારતે ગયા વર્ષે કુલ ૧૧૮ ચાઈનિઝ એપ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમાં ટિકટોકનો પણ સમાવેશ થતો હતો. ટિકટોકને ભારતીય માર્કેટમાં પ્રવેશ મળવાની શક્યતા ધૂંધળી છે. માટે હવે કંપનીએ ભારતમાં દુકાન બંધ કરી ૨ હજારથી વધારે કર્મચારીઓને મુક્ત કર્યા છે.
ભારતે પ્રથમ રાઉન્ડમાં જુન૨૦૨૦માં ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો. એ પ્રતિબંધ કામચાલઉ હતો અને કંપનીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાઈ હતી. પરંતુ કંપનીઓએ ભારત સરકારના આઈટી મંત્રાલય દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નોનો સંતોષકારક ખુલાસો આપ્યો ન હતો. માટે સરકારે હવે પ્રતિબંધ કાયમી કરી દીધો છે. ચીન સરકારે આ મુદ્દે રોદણા રોવાના શરૃ કર્યા છે.
ચીની સરકારે આ વિશે અગાઉ વાંધો ઉઠાવ્યો હતો. હવે ચીની સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારતનો આ નિર્ણય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નીયમોનો ભંગ છે. ઓર્ગેનાઈઝેશનના નિયમ પ્રમાણે દરેક દેશે બીજી દેશની કંપનીઓને ભેદભાવ વગર વેપાર કરવા દેવો જોઈએ. ગ્લોબલ ટાઇમ્સને એવુ લાગે છે કે ભારત સરકારે ચીની કંપનીઓ સાથે ભેદભાવ રાખ્યો છે. આ ભેદભાવને કારણે ચીની કંપનીઓને જે નુકસાન થાય તેનું વળતર ચીને ભારત પાસેથી માંગવુ જોઈએ. અલબત્ત, ગ્લોબલ ટાઈમ્સની દલીલ ફાલતુ છે અને વિશ્વ વેપાર સંગઠનમાં ટકી શકે એમ નથી.
બાઈટડાન્સે ભારતમાં સંકેલો કરતા કહ્યુ હતુ કે અમે સરકાર સાથે વાટાઘાટો ચાલુ રાખીશુ. પરંતુ અત્યારે અમારી કામગીરી ચાલુ નથી, માટે કર્મચારીઓનો નિભાવ કરી શકતા નથી. કર્મચારીઓને નિયમ પ્રમાણે ૩ મહિનાનો પગાર આપી દેવાશે. વધુમાં કંપની સાથે કેટલા વર્ષ કામ કર્યુ, તેના આધારે વધારાનું વળતર પણ અપાશે. કંપનીએે કહ્યુ હતુ કે પ્રતિબંધના સાત મહિના દરમિયાન અમે સરકારને અમારી રીતે સમજાવવા પ્રયાસ કર્યો હતો