ગાંધીનગરગુજરાત

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવનારું-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સાથે સર્વવ્યાપી વિકાસનું આ બજેટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર:

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાણાંમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પ્રસ્તુત કરેલા રૂપિયા 2 લાખ 27 હજાર કરોડના વર્ષ 2021-2022ના બજેટને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આ બજેટમાં ગરીબ ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ આરોગ્ય, કૃષિ, સિંચાઇ તેમજ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગો, ક્લાયમેન્ટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઇને સર્વાંગી વિકાસ એટલે કે ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જનારું આ બજેટ છે.

મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના અંગે જણાવ્યું કે, આદિવાસીઓને પણ મૂળ ધારામાં વિકાસના ફળનો અનુભવ થાય અને ભવિષ્યના પડકારો પણ ઝિલતા થાય તેનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનામાં આવનારા પાંચ વર્ષ માટે 1 લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજના– 2માં ફાળવવામાં આવ્યા છે.

અંબાજીથી ઉમરગામના સમગ્ર જિલ્લા અને તાલુકાના આદિજાતિ પટ્ટાના 90 લાખ વનબાંધવોને આનો લાભ મળવાનો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારા વિસ્તારમાં વસતા સાગર ખેડૂ માટે આ વર્ષે 50 હજાર કરોડની વધુ રકમ સાથે સાગરખેડૂ કલ્યાણ યોજના-2 અમે લાવ્યા છીએ.

એટલું જ નહીં, આ સરકારે સામાજિક ઉત્થાન માટે એટલે કે દિવ્યાંગથી લઇને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિ, ઓ.બી.સી આ તમામ વર્ગોના યુવાનોથી લઇને વૃદ્ધ પેશન સુધી તેમજ વિધવા પેન્શનથી માંડીને કુંવરબાઇનું મામેરું જેવી અનેક યોજના દ્વારા સામાજિક કલ્યાણ માટે આ બજેટમાં રૂપિયા ફાળવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિકાસનો પાયો છે ત્યારે આ સરકારે રાજ્યના બાળકો, યુવા વિદ્યાર્થીઓને સમયની માંગ અનુરૂપ અદ્યત્તન શિક્ષણ આપવા સૌથી વધુ એટલે કે 32 હજાર કરોડ રૂપિયાની શિક્ષણ વિભાગ માટે ફાળવી છે.

ગુજરાતના ભવિષ્યની પેઢી શિક્ષિત બનીને દુનિયાના પડકારોને ઝિલતી થાય એટલા માટે અદ્યતન શાળાઓ, કમ્પ્યુટરની વ્યવસ્થા એટલે કે આંગણવાડીથી લઇને પી.એચ.ડી કરનારા યુવાન સુધીના શિક્ષણ માટે ગુજરાત એક એજ્યુકેશનલ હબ બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આપણી યુનિવર્સિટીઓ સક્ષમ હોય, શાળાઓ પણ સક્ષમ હોય અને શાળામાં અભ્યાસ કરતો બાળક એ વધુ તેજસ્વી બનીને ભવિષ્યના પડકારો ઝિલતો થાય તેની વ્યવસ્થા આ સરકારે કરી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત બેકારી મુક્ત બને એ દિશામાં આ વખતના બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આવનારા પાંચ વર્ષમાં સરકારી તેમજ અર્ધ સરકારી નોકરીઓમાં બે લાખ યુવાનોનોને નોકરી આપવામાં આવશે.

 એટલું જ નહીં, પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટર, સર્વિંસ સેક્ટર, એગ્રિકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ રોજગારી આપવામાં આવશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ વખતના બજેટમાં લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એવા ગુજરાતમાં રાજ્યના યુવાનોને તો નોકરી મળે પણ બહારના પરપ્રાંતિઓને પણ રોજી-રોટી અને ધંધો રોજગાર મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે

કોરોનાના સંક્રમણકાળમાં અંદાજિત 25 લાખ મજૂરો તેમજ પરપ્રાંતિઓને આપણે 1200 ટ્રેન તેમજ 5200 બસો થકી તેમના વતન મોકલ્યા હતા. આ વાત જ સાબિતી આપે છે કે ગુજરાત ગુજરાતીઓની સાથો-સાથ પરપ્રાંતિઓને પણ રોજી-રોટી આપવા માટે સક્ષમ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના બાદ વિશ્વભરના ઉદ્યોગકારો બેસ્ટ ડેસ્ટિનેશનની ખોજ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની નવી ઔદ્યોગિક પોલિસી, સોલાર પોલિસી અને ટુરિઝમ પોલિસી આવનારા દિવસોમાં વિદેશી રોકાણકારો માટે ખુબ અગત્યની સાબિત થવાની છે તેમ જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત પાણીદાર બન્યું છે. તેમજ પાણીનું સંકટ હવે ભૂતકાળ બન્યું છે. આવનારા વર્ષોમાં રાજ્યનાં કોઈપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિનાનો ન રહે અને મજબૂત સોર્સના દ્રષ્ટિવંત આયોજન સાથે પાણી પુરવઠા માટે પણ આ બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

એટલું જ નહીં દૂરદરાજ સુધી 100 ટકા ઘરોમાં નળથી જળ આપવાની પણ ચિંતા આ બજેટમાં કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ બજેટમાં લદ્યુ ઉદ્યોગો, નવી જી.આઇ.ડી.સી, ટેક્ષટાઇલ એન્ડ ફાર્મા પાર્કસ, ટોયઝ પાર્ક જેવા નવા વિચારોને લઇને ઉદ્યોગોને વધુ પ્રોત્સહિત કરવામાં આવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ બજેટમાં ખેડૂતો માટે કૃષિ-ખેડૂત કલ્યાણ માટે 7232 કરોડ તેમજ સાત પગલાં કૃષિ કલ્યાણનાં યોજના અને બિયારણ માટે પણ ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, છેલ્લા અઢી દાયકામાં ખેડૂતોના વીજળી દરમાં એક પણ પૈસાનો વધારો નથી કર્યો. આ બજેટમાં સરકારે ખેડૂતોની વધારે ચિંતા કરીને ખેડૂતોની વીજળીની સબસિડી માટે પણ જોગવાઇ કરવામાં આવી છે.

આ બજેટમાં વાવેતરથી લઇને વેચાણ સુધીની ચિંતા કરવામાં આવી છે. એટલું જ નહીં, નવા કૃષિ વીજ જોડાણો આપવા માટે રૂ. 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું કે ‘દિવસે કામ રાત્રે વિશ્રામ’ના સુત્રને સાર્થક કરતા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડતી કિસાન સુર્યોદય યોજના માટે પણ વિશેષ પૈસા ફાળવીને ખેડૂતોની ચિંતા આ બજેટમાં કરી છે.

બાગાયત ખેતી તેમજ ઔષધિ ખેતીમાં પણ ગુજરાત આગળ વધે તે માટે બજેટમાં નવી જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગાંધીજી અને સરદારના આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા પોલીસ, અદ્યતન સાધનો, સી.સી.ટી.વી. કેમેરા, સાયબર ક્રાઇમ સામેની વ્યવસ્થા, એન્ટી કરપ્શન બ્યૂરો મજબૂત કરવા માટે પણ પૂરતા પૈસા ફાળવીને આ સરકાર કામ કરી રહી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આ બજેટને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ માટેનું પાયાનું બજેટ તેમજ સર્વગ્રાહી વિકાસનું અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની દિશા આપનારું બજેટ ગણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x