ગાંધીનગરગુજરાત

આગામી વર્ષે રાજ્‍ય સરકારનું દેવું રૂ. ૩.૫૦ લાખ કરોડ કરતાં વધી જશે, જે બજેટ કરતાં પણ રૂ. ૧.૩૪ લાખ કરોડ વધારે હશે : વિપક્ષ નેતા પરેશ ધાનાણી

ગાંધીનગર :

ગુજરાત વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં મંદી, મોંઘવારી, બેરોજગારી રાજ્‍યમાં અતિશય વધી ગઈ છે. પ્રજાની ખરીદશક્‍તિ ઘટી છે, રાજ્‍યમાં ઉત્‍પાદન ઘટયું હોવા છતાં પણ સરકારની ટેક્‍સની આવક વધી છે તેના કારણો શું છે ? પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના ભાવમાં અસહ્‌ય વધારો, લોખંડ, સિમેન્‍ટ, પ્‍લાસ્‍ટીક, ફાઈબર વિગેરે જેવી ચીજ-વસ્‍તુઓ અને રો-મટીરીયલના આસમાને આંબતા ભાવોના કારણે પ્રજાના ખિસ્‍સા ખંખેરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. કરચોરીના નામે નાના-મધ્‍યમ વેપારીઓને જીએસટી દંડની ગેરબંધારણીય રીતે ખોટી નોટીસો ફટકારવામાં આવે છે. આજે રજૂ થયેલ વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં પ્રજાને સરકાર પાસે ઘણી આશા હતી, પરંતુ આ વર્ષે પણ રજૂ થયેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળવાળું, ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક, સામાન્ય-મધ્યમ વર્ગ અને છેવાડાના લોકોને જીવન જીવવું વધુ મુશ્કેલ બનાવશે.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગત વર્ષે રૂ. ૨,૧૭,૦૦૦ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્‍યારે ચાલુ વર્ષે રૂ. ૨,૨૭,૦૦૦ કરોડનું બજેટ રજૂ થયું છે. બજેટના કદમાં માત્ર રૂ. ૧૦,૦૦૦ કરોડનો વધારો કરવામાં આવ્‍યો છે,

જે ગત વર્ષ કરતાં ફક્‍ત ૪.૬૦% વધારે છે, જે સાવ સામાન્‍ય ગણાય, કારણ કે ફુગાવાનો દર ધ્‍યાનમાં લઈએ તો પણ ખરેખર વધારો થતો નથી. ચાલુ વર્ષ માટે મહેસુલ ખાતામાં રૂ. ૭૮૯ કરોડની પુરાંત અંદાજવામાં આવેલ, પરંતુ હવે સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. ૨૧,૯૫૨ કરોડની ખાધ અંદાજવામાં આવી છે. ગુજરાત સરકારનું બજેટ મહેસુલ ખાતામાં પુરાંતવાળું જ રહેતું હતું તે બે દાયકા જૂની પરંપરા આ બજેટમાં તૂટી છે. રાજ્‍ય સરકારનું દેવું ભયંકર હદે વધતું જાય છે. સરકારનું દેવુ ચાલુ વર્ષે રૂ. ૨.૯૬ લાખ કરોડનું રહેશે એવો અંદાજ મૂકવામાં આવ્‍યો હતો. આગામી વર્ષ માટે પણ

રૂ. ૫૦,૭૫૧ કરોડનું દેવું કરવામાં આવશે તેવો અંદાજ મૂકવામાં આવ્‍યો છે. આગામી વર્ષે રાજ્‍ય સરકારનું દેવું રૂ. ૩.૫૦ લાખ કરોડ કરતાં વધી જશે, જે દેવું બજેટ કરતાં પણ રૂ. ૧.૩૪ લાખ કરોડ વધારે હશે.

આજે રજૂ થયેલ બજેટમાં ખેડૂતોનો ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્‍છાશક્‍તિનો અભાવ દેખાય છે. રાજ્‍યમાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે પરંતુ રાજ્‍યમાં ખેડૂતોની સ્‍થિતિ દયનીય બની છે. બજેટમાં ખેતી-પશુપાલન ક્ષેત્ર માટે રૂ. ૭,૨૦૦ કરોડની ફાળવણી કરી છે. ગત વર્ષની ટકાવારી ૪.૨૮% હતી, જે ઘટીને ચાલુ વર્ષે ૩.૨૬% થઈ છે, જે ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની વાતો માત્ર બણગાં ફુંકવા સમાન જણાય છે.

બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. ૩૨,૭૦૦ કરોડની ફાળવણી કરી છે, જે બજેટના ૧૪.૧૦% ફાળવણી છે, ગત વર્ષે આ ફાળવણી ૧૪.૩૦% હતી. આ ફાળવણી સમગ્ર ભારતની સરેરાશ ૧૬% કરતાં ઓછી છે. બજેટમાં આરોગ્‍ય ક્ષેત્ર માટે

રૂ. ૧૧,૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવે છે, જે બજેટના ૪.૯૮% છે, ગત વર્ષના બજેટમાં આરોગ્‍ય ક્ષેત્ર માટે ૫.૮૦% ફાળવણી કરવામાં આવેલ, જે ચાલુ વર્ષે ઘટી ગઈ છે. આટલા ખર્ચમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍યની સારી સવલતો કેવી રીતે ઉભી થઈ શકશે ?

બજેટમાં પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાત કરી છે, જે વાસ્‍તવિકતાથી જોજનો દૂર છે. રાજ્‍ય સરકારે ૨૦ લાખ નવા રોજગાર ઉભા કરવાની વાતો કરી છે, પરંતુ ઉદ્યોગોમાં અને ખાસ કરીને MSME માટે ગત વર્ષ જેટલી જ રકમ ફાળવી છે, તો નવો રોજગાર ક્‍યાંથી આવશે ? એપ્રિલ-૨૦૨૦થી સપ્‍ટેમ્‍બર-૨૦૨૦ના સમયગાળામાં રાજ્‍યમાં વિદેશી રોકાણ રૂ. ૧,૧૯,૦૦૦ કરોડ આવ્‍યું, જે દેશમાં આ સમયમાં થયેલ કુલ મુડી રોકાણના ૫૩% છે, આ રોકાણ ક્‍યાં આવ્‍યું ? કયા ક્ષેત્રમાં નાણાં રોકાયા ? તેની સ્‍પષ્‍ટતા સરકારે કરવી જોઈએ.

સાગરખેડૂઓ માટે પાંચ વર્ષમાં રૂ. ૫૦,૦૦૦ કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અવાસ્‍તવિક લાગે છે. રાજ્‍યની ભાજપ સરકાર દાવો કરે છે કે, અમે આદિવાસી વિસ્‍તારોમાં આદિવાસીઓના કલ્‍યાણ માટે વનબંધુ યોજના અંતર્ગત રૂ. ૯૬,૦૦૦ કરોડ ખર્ચ્‍યા છે, તો સરકાર બતાવે કે આ પૈસા ક્‍યાં ખર્ચ્‍યા છે ? સરકારે ખર્ચેલ નાણાંની વિગતોનો અભાવ હોવાથી આ વાત સત્‍ય લાગતી નથી. ગુજરાત એ ૧૮,૦૦૦ ગામડાઓથી બનેલું રાજ્‍ય છે. ગામડાઓના વિકાસ થકી જ ગુજરાતનો સાચો વિકાસ થશે. ગ્રામ વિકાસ માટે ચાલુ વર્ષે બજેટમાં ફક્‍ત ૨.૭૫% રકમ ફાળવી છે. છેલ્લા ૧૨ વર્ષોથી ગ્રામ વિકાસ માટે થયેલ ઓછી ફાળવણી અને આ વર્ષે પણ આટલી સામાન્‍ય ફાળવણીથી ગામડાઓમાં માળખાકીય સુવિધાઓ ક્‍યાંથી ઉભી થશે ? તે એક પ્રશ્ન છે.

રાજ્‍ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્‍સાઈઝમાં ઘટાડો કરી રાહત અપાશે તેવી પ્રજાને આશા-અપેક્ષા હતી, પરંતુ પ્રજાની તે આશા પણ ઠગારી નીવડી છે. આજે રજૂ થયેલ બજેટે ગુજરાત અને ગુજરાતીઓને નિરાશ કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x