ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી થઇ.
વર્ષ ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ધરતીકંપ દરમ્યાન ખોરવાઈ ગયેલ સંદેશા વ્યવહારને સ્થાપીત કરવા માટે હેમ રેડિયોની મદદ લેવામાં આવી હતી. તે સમયે ગુજરાતમાં હેમ રેડિયો ઓપરેટર તરીકે સેવા આપતા વ્યક્તિઓ ખુબ ઓછા હોવાથી હૈદરાબાદની NIAR સંસ્થાના હેમની મદદ લેવી પડી હતી.
આ ધરતીકંપ પછી ગુજરાતમાં મોટી સંખ્યામાં હેમ રેડિયો ઓપરેટરો (હેમ ) તૈયાર કરવા તથા જયારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે આવા લોકો જે તે સ્થળે જઈ રેડિયો સ્ટેશન ઉભુ કરી સેવા આપે તેવા ટેકનીકલ સક્ષમ હેમ તૈયાર કરવા ૪ માર્ચ ૨૦૦૧ માં ગાંધીનગર ખાતે પૂર્વ સેકેટરી એસ.કે.નંદા સાહેબના ચેરમેન પદે ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાને ૨૦ વર્ષ પુરા થતાં તેની ઉજવણીનો કાર્યક્રમ સેક્ટર-૨૩ ખાતે આવેલ GIAR સંસ્થા ખાતે યોજાયો.
સંસ્થાની ઉજવણી પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી, એસ.કે.નંદા, જનરલ સેક્રેટરી જે.જી પંડ્યા, ગાંધીનગરના મેયર શ્રી રીટાબેન પટેલ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ શાહુ, અમદાવાદ સ્થિત રેડિયો મોનીટરીંગ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર હેમેન્દ્ર પરીખ મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સેક્રેટરી શ્રી પી.સી.વલેરા સાહેબે સંસ્થાની કામગીરી વિષે તથા સંસ્થાના નવિનીકરણમાં મેયરશ્રીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી એસ.કે.નંદા સાહેબે GIAR ની સંસ્થાના પાછળની પૂર્વભૂમિકા અને ઇતિહાસની વિગતે વાત કરી હતી. આ સંસ્થા થકી શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ હેમ રેડિયો પ્રવૃત્તિ સાથે જોડાય તેના પર તેમને ભાર મુક્યો હતો. મેયરશ્રી રીટાબેને સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી ભાવી પેઢીને આ જ્ઞાન ઉપયોગી થાય તે માટે નગરપાલિકા જે મદદ જોઈએ તે કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે GIARના માર્ગદર્શન નીચે અમદાવાદ હેમ રેડિયો કલબની શરૂઆત કરવામાં આવી. મેયરશ્રી, એસ.કે.નંદા અને મેહમાનોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.અનિલભાઈ પટેલે આભાર વિધી કરી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હેમ મિત્રો જોડાયા. અત્રે ઉલેખ્ખનીય છે કે આ સંસ્થાના તૈયર થયેલ હેમ મિત્રો એ આંદોબર-નિકોબાર સુનામીમાં, સુરત પૂરમાં, નીલોફર વાવાઝોડા, વાયુ વાવાઝોડા વગેરેમાં સેવાઓ આપી છે. સંસ્થા ખાતે હેમ રેડિયો અંગે પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. રસ ધરાવતી શાળાઓ, કોલેજો તેમના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન જોવા અને હેમ રેડિયોનું નિદર્શન જોવા લઇ આવે તેવી એક અપીલ કરવામાં આવે છે.