લોકો બેદરકાર રહેશે તો ફરી આપવું પડશે લોકડાઉન : હાઇકોર્ટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને સૂચનો આપ્યા છે કે, રાજ્યમાં કોરોનાને લઈને ફરીથી સ્થિતિ વણસી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ રહે. જેના માટે રાજ્ય સરકાર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે. આ હોસ્પિટલ્સમાં પથારીઓની સુવિધા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખે.
જેથી કોરોનાના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહી ભર્યું વલણ કે બેદરકારી ચિંતાજનક છે. જેના લીધે, રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન અમલમાં મુકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ કેસની વધુ સુનાવણી નવ એપ્રિલે હાથ ધરાશે.
રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં અપૂરતી સુવિધાને લઈ ઉઠતી ફરિયાદના સંદર્ભમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સમાજના ગરીબ લોકો રોગની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર્સ, જવાઓનો અપૂરતો જથ્થો, સાધનો કે અન્ય માળખાકીય સુવિધાના અભાવે ગરીબ લોકો હેરાન થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં આ અંગે હાલ શું સ્થિતિ છે, તેનો જવાબ રજૂ કરો. મહત્વનું છે કે, કોરોના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં આ આદેશ કરાયો છે.
મોટા શહેરોમાં કોરોના માટે ટેસ્ટિંગની સંખ્યા વધારો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જાહેર સ્થળો પર વિજીલન્સ ટીમ ગોઠવો, જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવાનો કડકાઈથી અમલ કરાવો, લગ્ન કે અન્ય જાહેર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા કેટલી છે તેના પર સરકાર ધ્યાન આપે.