ગુજરાત

રાજસ્થાન સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કરતાં 10% ગુજરાતી પર્યટકોનું બુકિંગ રદ

હોળી-ધૂળેટીની રજા દરમિયાન ગુજરાતીઓએ મોટી સંખ્યામાં રાજસ્થાનના માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જેવા વિવિધ સ્થળોએ પ્રવાસનું આયોજન કર્યું હતું. પરંતુ રાજસ્થાન સરકારે ગુજરાતથી આવતાં તમામ પ્રવાસી માટે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત કરતાં 10 ટકાથી વધુ લોકોએ બુકિંગ કેન્સલ કરાવ્યું હોવાની માહિતી ટૂર ઓપરેટરોએ આપી છે.
ટૂર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું કે, દેશભરમાંથી રાજસ્થાન ફરવા જતા તમામ પર્યટકોમાં 35થી 40 ટકા લોકો ગુજરાતમાંથી જાય છે. હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકોએ બુકિંગ કરાવતા રાજસ્થાનના મોટાભાગના સ્થળોએ બુકિંગ લગભગ ફુલ થઈ ગયું છે. જો કે રાજસ્થાન સરકારના આદેશ બાદ પર્યટકો દુવિધામાં છે. તેની સાથે જ પર્યટન ઉદ્યોગને પણ નુકસાન થાય તેમ છે તેથી ટૂર ઓપરેટર એસોસિએશને નિયમમાં છૂટ આપવા મુખ્યમંત્રી અશોક ગેહલોતને આવેદન પત્ર પણ આપ્યું છે.
છૂટ નહીં આપે તો આગામી દિવસોમાં કેન્સલેશન વધશે
ટૂર ઓપરેટર મહેશ દૂદકિયાએ જણાવ્યું કે, કોરોનાના પગલે મોટાભાગે લોકો પોતાના ખાનગી વાહન દ્વારા ફરવાનું આયોજન કર્યું છે. પરંતુ રાજસ્થાન સરકારના આદેશ બાદ હવે પર્યટકો થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી રહ્યા છે. જો સરકાર છૂટ નહીં આપે તો આગામી દિવસોમાં કેન્સલેશન વધે તેવી શક્યતા છે. અન્ય ટૂર ઓપરેટરર શૈલેષ અગ્રવાલે જણાવ્યું કે, સૌથી વધુ બુકિંગ આબુ, ઉદયપુર અને કુંભલગઢ માટે થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x