પંજાબમાં કોરોના વકરતા તમામ શાળા-કોલેજો બંધ કરાઈ
ચંદીગઢ :
પંજાબ સરકારે શુક્રવારે 4 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લગાવવાના નિર્ણય બાદ તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કુલ 8 જિલ્લામાં લુધિયાના, પટિયાલા, મોહાલી, ફતેહગઢ, સાહિબ, જલંધર, નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે સરકારી અને ખાનગી સ્કૂલ સહિત તમામ ક્લાસિસ માટે પ્રેપરેટરી લીવની જાહેરાત કરવામાં આવી છે જેની જાણકારી શિક્ષણમંત્રી વિજય ઇંદર સિંગલાએ આપી હતી. તેમણે કહ્યું કે, શાળાઓમાં શિક્ષકો હાજર હશે અને કોરોનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પરિક્ષા માટે શિક્ષકોની મદદ લેવા ઇચ્છે છે તેઓ સ્કૂલે આવી શકે છે અને આગામી સમયમાં કોવિડ-19ના નિયમનોને ધ્યાને લઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પંજાબમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચેપના ફેલાવાને અટકાવવા પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ સહિત મોહાલીમાં વહિવટીતંત્ર દ્વારા નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ રાતના 11 થી સવારના પાંચ સુધી અમલમાં રહેશે. છેલ્લા 24 કલાકમાં પંજાબમાં કોરોનાના 1310 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 18 લોકોના મોત થયા છે.પંજાબના આરોગ્યપ્રધાન બલબીર સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમે એક દિવસમાં 30,000 ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. હાલમા તો રાજ્યમાં સંપૂર્ણ લોકાડાઉન લાદવાનું કોઈ આયોજન નથી અને લોકડાઉનનો અંગેનો કોઈ નિર્ણય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ કરશે. જો પંજાબમાં કોરોનાની ગતિ ન અટકી તો હજુ બીજા પણ આકરા પ્રતિબંધો લાગુ પાડવામાં આવી શકે છે.