રાજકોટમાં સિકયુરિટી એજન્સીના સંચાલકને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો
રાજકોટ :
રાજકોટમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર રોડ પર અવધ રેસિડેન્સીમાં રહેતા મૂળ બિહારના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોતે હનીટ્રેપનો શિકાર થયાની ફરિયાદ નોંધાવી છે. સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર આ યુવક મહિલા મિત્રને મળવા માધાપર ચોકડીએ ગયો હતો ત્યાંથી મહિલાને બેસાડી બેડી પાસે પહોંચતા જ ત્રણ શખ્સો ત્રાટકયા હતા. જે પૈકી બે શખ્સોએ તેનું બાઈકમાં અપહરણ કર્યું હતું અને તેને નાકરાવાડી પાસે ટેકરી ઉપર અવાવરુ જગ્યાએ લઈ જઈ માર મારી મોબાઈલ, પાકિટ અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાકિદે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી લીધા છે.
હનીટ્રેપના આ બનાવની વિગતો મુજબ જામનગર રોડ પર વિનાયક વાટિકા સામે અવધ રેસિડેન્સીમાં રહેતા મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની અને અહીં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનાર રમણજી ચંદ્રેશપ્રસાદ યાદવ (ઉ.વ.31) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશ્વિન અનિલ હમીરભાઈ સારેસા અને દિલીપ અને એક અજાણી મહિલાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો મહિલા સાથે પરિચય થયા બાદ આ મહિલાએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને તેને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો જેથી ફરિયાદી તેને મળવા માટે માધાપર ચોકડીએ ગયો હતો. જ્યાંથી મહિલાને બાઈક પર બેસાડી બેડી જવાના રસ્તે અતિથિ દેવો ભવ: હોટલ આગળ મામાસાહેબની વાડી પાસે બાઈક ઉભું રાખતા બાઈકમાં ત્રણ સવારીમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને તેમાંથી અશ્ર્વિન નામના શખસે કહ્યું હતું કે, મારી બહેનને ક્યાં લઈ જાય છે તેમ કહી ગાળો આપી હતી અને તે મહિલાને પોતાના બાઈકમાં બેસાડી ચાલ્યો ગયો હતો.
બાદમાં અનિલ અને દિલીપ નામના શખ્સે યુવાનનું બાઈકમાં અપહરણ કરી નાકરાવાડી ગામ પાસે ટેકરી ઉપર અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં લઈ જઈ યુવાનને માર મારી પૈસાની માગણી કરી હતી અને તેની પાસેથી મોબાઈલ તથા પાકિટ લઈ લીધા બાદ મોતનો ભય બતાવી તેનું ક્રેડિટ કાર્ડ પણ લઈ જઈ પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી.
આ મામલે યુવાનની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાની રાહબરીમાં પીએસઆઈ જે.જી. રાણા તથા ટીમે તપાસનો ધમધમાટ ચલાવી આરોપી અનિલ હમીરભાઈ સારેસા અને દિલીપ નામના શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે મહિલા સહિત બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.