જૂનાગઢ : મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રસી લીધા બાદ પણ કોરોના થયો.
જૂનાગઢ :
રાજ્યમાં ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. બેદરકાર બનેલાં તંત્રને કારણે કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.તો કોરોના સામેના જંગમાં અકસીર મનાતી કોરોના રસી લીધા બાદ પણ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
હાલ રાજ્યમાં કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. અગાઉ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને કોરોના રસી આપવામાં આવી હતી. મેડિકલ સ્ટુડન્ટને પણ કોરોના રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા. પણ જૂનાગઢમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ લીધા હોવા છતાં પણ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાઈ ગયો છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતાં સાથી વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. અને સંક્રમણ વધતાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. અને ફરીથી પ્રથમ વર્ષનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. આમ જે લોકો હજુ પણ કોરોનાને લઈ બેદરકારી દાખવી રહ્યા છે તે લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. કોરોનાની રસી લીધા બાદ પણ તમને કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.