ગાંધીનગર : IITEના વિદ્યાર્થીઓએ સોશ્યલ મિડીયામાં આંદોલન શરૂ કર્યું
ગાંધીનગર :
શહેરના સેક્ટર-૧પમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અવાર નવાર વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં ધરણાં ચાલુ કર્યા છે. હોસ્ટેલ અને ટયુશન ફી સહિત પરીક્ષા ફીમાં ઘટાડો કરવાની માંગ સાથે લડત ચલાવી રહેલાં વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડીયામાં આંદોલન શરૂ કર્યું છે.
IITE માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થઇ રહ્યા છે જે અંગે રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યા છે. તો પડતર પ્રશ્નોની માંગ સાથે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે હોસ્ટેલ, ટયુશન અને પરીક્ષા ફીમાં ઘટાડો કરવાની સાથે સાથે કોલેજ સંકુલમાં રમતગમતનું મેદાન બનાવવમાં આવે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવામાં આવે તો બીજી તરફ કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓની શિક્ષણ ફી બાદ કરવામાં આવે. હોસ્ટેલમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવે અને નામ સાથે ફીની રીસીપ્ટ આપવા સહિત ફાઈનાન્સ કમિટી દ્વારા જે ફી લગાડવામાં આવી છે તેને નાબુદ કરીને વિદ્યાર્થી તથા મેનેજમેન્ટની જોઈન્ટ કમિટિ બનાવવાની માંગ પણ કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં કેમ્પસમાં છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓ ધરણાં ઉપર બેઠા હતા ત્યારે સત્તાવાળાઓ દ્વારા કોરોનાનું બહાનુ બતાવીને કેમ્પસની બહાર ખદેડી દેવામાં આવ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓએ સોશ્યલ મિડીયાનો સહારો લઇને આંદોલન શરૂ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.