હોળી માટે ટૂંક સમયમાં ગુજરાત સરકાર SOP લાવશે
ગાંધીનગર :
ગુજરાતમાંહાલ કોરોના સંક્રમણના કિસ્સાની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. આગામી પંદર દિવસ બાદ આવી રહેલા હોળી-ધૂળેટી તહેવારને લઇને રાજ્ય સરકાર જેમ ઉત્તરાયણના તહેવારોમાં બહાર પાડી હતી તે મુજબની એસઓપી જાહેર કરી શકે છે. જોકે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધની હાલ રાજ્ય સરકારની કોઇ વિચારણા નથી.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારો પર પ્રતિબંધ લાદવાની કોઇ જરૂર હાલ રાજ્ય સરકારને લાગી રહી નથી. પરંતુ લોકો કોરોનાને કારણે અમુક નિયમોનું પાલન કરે તે આવશ્યક અને ઇચ્છનીય છે. તેથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં હોળી ધૂળેટી માટે અમુક નિયમાવલી બહાર પાડશે, પરંતુ તેમાં મોટી કોઇ પાબંદી લાગુ કરવામાં આવે તેવી શક્યતા બિલકુલ નથી.
આ ઉપરાંત હાલ જે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે તેને હજુ લંબાવવામાં આવશે. તેના કલાકોમાં કોઇ ફેરફાર કરવાની પણ હાલ કોઇ વિચારણા નથી. લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે માટે અમલીકરણની પદ્ધતિ થોડી કડક બનાવવામાં આવશે, પરંતુ સામાન્ય વ્યવહારમાં કોઇ ધંધા-રોજગારના ક્ષેત્રને કે સામાન્ય નાગરિકોને તકલીફ પડે નહીં તે અંગેનો વિચાર કરીને જ માર્ગદર્શિકા બનશે.