ગુજરાતરાષ્ટ્રીય

ટુરિઝમ ક્ષેત્રમાં આ વર્ષે પણ મંદીના ભણકારા, ફરવા જનારાની સંખ્યા 50-60% થી ઓછી

કોરોનાની બીજી લહેરના કારણે લોકો અને સરકાર તો ચિંતિત છે જ પણ જ્યારે ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ટુરિઝમ સેક્ટર પણ ચિંતામાં મુકાયું છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતના ટુર ઓપરેટર્સ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે કોવિડના લીધે 2020માં બિઝનેસ સાવ ધોવાઈ ગયો હતો. દિવાળીના અરસામાં જે પુન: પ્રાપ્તિ આવી પણ હવે સેકન્ડ વેવના કારણે ફરી મંદીનો માહોલ જણાઈ રહ્યો છે.

સમર વેકેશનનો બિઝનેસ 50-60% ઘટવાની ધારણા
ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (TAG)ના સેક્રેટરી અને રેડિયન્ટ હોલિડેઝના માલિક અનુજ પાઠકે જણાવ્યું કે, 2020માં કોરોના લોકડાઉન હોવાથી ઉનાળાના વેકેશનનો બિઝનેસ એકદમ ઠપ્પ હતો. આ વર્ષે પણ અત્યારે જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તેને કારણે સમર વેકેશનમાં બૂકિંગ 50-60% જેવા ઘટી શકે છે.

ગુજરાતમાંથી સામાન્ય સંજોગોમાં દર વર્ષે અંદાજે 80,000થી 1 લાખ લોકો દેશમાં તેમજ વિદેશમાં ફરવા જાય છે. આ વર્ષે આ સંખ્યા 40,000-45,000 આસપાસ રહેવાની ધારણા છે.

કડક કોરોના ગાઈડલાઇનથી લોકો ફરવા જવાનું ટાળે છે
અનુજ પાઠકે જણાવ્યું કે, કોરોનાના વધતાં કેસોને લઈને રોજ નવી નવી ગાઈડલાઇન આવી રહી છે. આ સાથે જ ઘણા રાજ્યોમાં RTPCR ટેસ્ટ ફરજિયાત છે. આવતા દિવસોમાં શું થશે તે નક્કી નથી તેને જોતાં લોકો અત્યારથી સમાર વેકેશનનું પ્લાનિંગ કરતાં નથી. ઘણા ટ્રાવેલર્સ એવું માને છે કે, જવાના એક સપ્તાહ પહેલા જ બૂકિંગ કરવીએ એટલે તે સામેની ગાઈડલાઇન મુજબ મુસાફરી કરી શકાય.

હવે લોકો ગીર સોમનાથ, પોળો ફોરેસ્ટ, દ્વારકા જેવા રાજ્યની અંદરના સ્થળોએ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.

પરિવાર સાથે નજીકના સ્થળે ફરવા ગયા
મલ્ટીનેશનલ IT કંપનીમાં કામ કરતાં હિરલ મજૂમદાર કહે છે કે, કોરોનાના કારણે ભીડભાડ વાળ અને દૂરના સ્થળોએ જવાનું એવોઇડ કરીએ છીએ. અમે છેલ્લા એક વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છીએ અને અમારા પરિવારને એક બ્રેકની જરૂર હતી એટલે તાજેતરમાં જ અમે રાજસ્થાન ઉદેપુર અને કુંબલગઢ જેવા સ્થળોએ પ્રવાસ કર્યો હતો.

કોવિડના જોખમોને જોતાં અમે આ સમય પસંદ કર્યો જેથી અમને ઓછી ભીડ મળે. સાથે જ અમદાવાદથી આવવા જવામાં પણ અનુકૂળતા રહે તે માટે નજીકનું સ્થળ પસંદ કર્યું હતું.

જોખમ ઘટાડવા પેકેજના બદલે પ્રાઇવેટ ટુર પર જોર
શક્તિ ટ્રાવેલ્સના ઓનર જિગર દુદકિયાએ જણાવ્યું કે, અગાઉ લોકો પેકેજ ટુર પર જવાનું પસંદ કરતાં હતા. પરંતુ કોરોના આવ્યા બાદ પોતાની રીતે અને પોતાના જ વાહનમાં ફરવા જનારાઓની સંખ્યા વધી છે. અમારી પાસે જે ઇન્ક્વાયરી અને બુકિંગ આવે છે તેમાં 50% લોકો એવા છે જે પહેલા પેકેજ ટુર કરતાં હતા અને હવે વ્યક્તિગત (personal) ટુર પસંદ કરે છે. આની પાછળનું કારણ એ છે કે કોરોનાના જોખમોને ધ્યાનમાં રાખી સલામતી ખાતર લોકો હવે ગ્રૂપમાં જવાનું ટાળે છે.

ગુજરાતીઓના પસંદગીના ફરવાના સ્થળો

 • કાશ્મીર
 • લેહ-લદ્દાખ
 • હિમાચલ પ્રદેશ
 • ઉત્તરાખંડ
 • દાર્જિલિંગ
 • મૈસૂર
 • દુબઈ
 • માલદીવ
 • સિક્કિમ
 • ઊટી
 • નેપાળ
 • યુરોપ
 • અરુણાચલ પ્રદેશ

ઓફ સિઝનમાં ફરવા જવાનું પસંદ કર્યું

ક્લાસિકલ ડાન્સર દેવલ પટેલે જણાવ્યું કે, અમે 20 વર્ષથી ફરવા જઈએ છીએ પણ કોરોના આવ્યા બાદ અમે વધુ લોકો હોય તેવી જગ્યાએ જતાં નથી. કોરોના આવ્યા બાદ અમે અત્યારે હરિદ્વાર, ઋષિકેશ જેવા સ્થળોએ ફરવા ગયા છીએ. અત્યારે ત્યાં સિઝન નથી એટલે લોકો પણ ઓછા છે. હાલની સ્થિતિને જોતાં અમે ઉનાળાના દિવસોમાં ફરવા જવાનું ટાળ્યું હતું.

પરીક્ષાનું ટાઈમટેબલ અનિશ્ચિત છે તેથી બૂકિંગ નથી
અક્ષર ટ્રાવેલના ડિરેક્ટર મનિષ શર્માએ કહ્યું કે, કોરોનાના કારણે બાળકોની પરિક્ષાના શેડ્યુઅલ ફરી ગયા છે. પરિક્ષા લેવાશે કે કેમ? અને લેવાશે તો ક્યારે લેવાશે? તે નક્કી નથી. આ કારણે ઘણા લોકો આ વર્ષે ફરવા જવાના નથી. જોકે, અત્યારે અમારા માટે તો જે બિઝનેસ મળે તે સારો જ છે કેમ કે, 2020માં તો કોઈ બિઝનેસ હતો જ નહીં. 2019ની સરખામણીએ આ વર્ષ ઘણું જ ડલ રહેશે.

હાલમાં લોકો નજીકના સ્થળે ફરવા જવાનું પસંદ કરે છે

 • ટ્રાવેલ સોલના ફાઉન્ડર હાર્દિ ઓઝા પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં લોકોના ફરવા જવાની પેટર્નમાં બદલાવ આવ્યો છે.
 • પહેલા લોકો લાંબી ટ્રીપ લેતા હતા અને દૂરના સ્થળોએ જતાં હતા.
 • મહામારી આવ્યા બાદ હવે લોકો નજીકના સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે.
 • ટૂંકો પ્રવાસ, સલામત પ્રવાસ એ અત્યારનું સૂત્ર બની ગયું છે. જોખમોને ધ્યાનમાં રાખતા લોકો હોમટાઉનથી નજીકના સ્થળો પર જાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x