ગુજરાતથી બસ બાંધીને ઉતરાખંડ ગયેલા 22 પ્રવાસીઓ કોરોના પોઝીટીવ
ગુજરાતથી લકઝરી બસ બાંધીને હરીદ્વાર-ઋષિકેશ, ઉતરાખંડની ધાર્મિક યાત્રાએ ગયેલા 22 પ્રવાસીઓ કોરોના પોઝીટીવ છે. કોરોનાનો રીપોર્ટ આવતા પહેલા જ ગુજરાતના તમામે તમામ પ્રવાસીઓ ઋષિકેશથી અન્ય સ્થળે ચાલ્યા જતા, ઉતરાખંડના વહીવટીતંત્રમાં દોડધામ મચી છે.
ધાર્મિક યાત્રાએ ગુજરાતથી ઉતરાખંડના હરીદ્વાર-ઋષિકેશ આવેલી લકઝરી બસના 22 મુસાફરો કોરોના પોઝીટીવ નિકળ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ચાર દિવસ પહેલા ગુજરાતથી એક લકઝરી બસ, ઋષિકેશ આવી હતી. ઋષિકેશમાં બસમાં સવાર તમામ ગુજરાતના પ્રવાસીઓના RTPCR ટેસ્ટ મુનકી રેતી ખાતે કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટના પરીક્ષણમાં ગુજરાતની લકઝરી બસમાં સવાર તમામે તમામ 22 પ્રવાસીઓના કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યુ હતું.
જો કે, સોમવારે આ તમામે તમામ પ્રવાસીઓના રિપોર્ટ પોઝીટીવ હોવાનું સામે આવ્યુ ત્યારે, ગુજરાતની લકઝરી બસ ઋષિકેશથી નિકળી ચૂકી હતી. કોરોના પોઝીટીવ પ્રવાસીઓએ સ્થળ છોડી દેતા, ઉતરાખંડના સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
આ બસને અને તેમા સવાર પ્રવાસીઓને શોધવા તંત્ર ધંધે લાગ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 100 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓમાં મુખ્યપ્રધાન તીરતસિહ રાવતનો પણ સમાવેશ થાય છે.
ઉતરાખંડના સરકારી તંત્રનું કહેવું છે કે, ઋષિકેશથી લકઝરી બસમાં નિકળેલા આ પ્રવાસીઓ જ્યા જ્યા જશે ત્યાં ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલવી શકે તેમ છે. આથી બસ તેમજ પ્રવાસીઓનો સંપર્ક કરવો ખુબ જ જરૂરી છે.
જો કે ઉતરાખંડના તમામ ધાર્મિક સ્થળોએ ગુજરાતથી આવતી બસ અંગે પોલીસ તેમજ સ્થાનિક વહીવટીતંત્રને જાણકારી અપાઈ છે.