સૌરાષ્ટ્રના તીર્થધામ ચામુંડા મંદિર ચોટીલામાં પણ રોપ-વે બનશે
અમદાવાદ
સૌરાષ્ટ્રના સુપ્રિસદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટીલામાં પણ હવે રોપ-વે બનશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા વિધાનસભામાં આ જાહેરાત કરવામા આવી છે.અગાઉ રાજ્યમા અંબાજી, પાવાગઢ અને ગિરનાર પર્વત ખાતે પણ રોપ-વે બની ચુક્યા છે ત્યારબાદ હવે રાજ્યમાં વધુ એક રોપ-વે યાત્રાળુઓની સુવિધા માટે બનશે.
ગુજરાતમા અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ હવે વધુ એક રોપ-વે બનાવવામા આવનાર છે.જે સૌરાષ્ટ્રમાં ચોટીલા મંદિર ખાતે બનશે.મુખ્યમંત્રી વિજય રૃપાણીએ વિધાનસભા સત્રમા આજે અંતિમ દિવેસ પ્રશ્નોતરી કાળ દરમિયાન એક પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં જવાબ આપતા આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.ચોટીલા ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આવતા હોઈ વડીલોને માતાના ડુંગર પર ચડવામા મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા ચોટીલા તીર્થધામ ખાતે પણ રોપ-વે બનાવવાની જાહેરાત કરવામા આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રા ધામોમાં આવતા શ્રધ્ધાળુ-યાત્રિકોની સુવિધા માટે સરકારે અનેક આયોજનો કર્યા છે અંતર્ગત રોપ-વે બનાવવાનું વધુ એક આયોજન છે. હાલ રાજ્યમાં આદ્યશક્તિ પીઠ અંબાજી , મહાકાળી ધામ પાવાગઢ અને ગિરનાર યાત્રાધામ ખાતે રોપ-વે વ્યવસ્થા છે. ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ શરૃ કરાયો છે અને જેનુ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા થોડા સમય પહેલા જ કરવામા આવ્યુ છે.આ ત્રણેય રોપ-વે પ્રોજેક્ટની સફળતા બાદ હવે ચોટિલા ખાતે થોડા સમયમાં રોપ-વે પ્રોજેક્ટનું કામ શરૃ કરાશે. આ રોપ-વે કામગીરી માટેની એજન્સી પણ સરકાર દ્વારા નિયત કરી દેવામા આવી છે.