આસામમાં ભાજપના ઉમેદવારની ગાડીમાંથી EVM મળ્તાં ચાર અધિકારી સસ્પેન્ડ, ફરી મતદાન કરાવવા આદેશ
આસામના કરીમગંજ જિલ્લામાં એક કારમાંથી ઇવીએમ મશીન મળી આવતાં મકચાર મચી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કારનો વીડિયો ટ્વિટ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જે બોલેરો કારમાંથી ઇવીએમ મશીન મળ્યું છે તે પાથરકાંડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલની છે. ચૂંટણી પંચે આ મામલે પગલાં ભરતાં જે જગ્યાએ વોટિંગ માટે મશીનનો ઉપયોગ થયો હતો ત્યાં ફરીથી મતદાન કરાવવા આદેશ આપ્યા છે.
આ કાર સાથે કોઇ ચૂંટણી પંચના અધિકારી નહોતા અને કારની અંદર કોઇ સુરક્ષા નહોતી. આ મામલે ચૂંટણી પંચે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ એફઆઇઆર દાખલ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.
આસામમાં કાલે બીજા તબક્કાનું મતદાન થયું. મતદાન બાદ કરીમગંજ જિલ્લાના કનિસેલમાં એક બોલેરો કાર મળી આવી હતી. આ બોલેરોમાં ઇવીએમ મશીન હતું. આ બોલેરોમાં ઇવીએમ અંગે બબાલ શરૂ થયો છે. પાછળથી જાણવા મળ્યું કે, બોલેરો કાર પાથરકાંડી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલની છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટર પર વીડિયો ટેગ કર્યો અને પૂછ્યું કે, જ્યારે પણ કોઇ અંગત ગાડીમાં ઇવીએમ મળે છે તો તે ભાજપના નેતાની જ કેમ હોય છે. વિવાદ થતાં ચૂંટણી પંચે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.