દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.52 લાખ કેસ નોંધાયા, છેલ્લા 10 દિવસમાં 11 લાખ થી વધુ કેસ નોંધાયા
કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે દેશમાં 1 લાખ 52 હજાર 565 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. મહામારી શરૂ થયા પછી એક દિવસમાં પહેલીવાર આટલા વધુ સંક્રમિત લોકો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 90,328 લોકો સાજા થયા અને 838 લોકો મૃત્યુ પામ્યા. આ વર્ષે બીજી વખત, એક જ દિવસમાં 800થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ 8 એપ્રિલે 802 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
દેશમાં એક્ટિવ કેસ એટલે કે કોરોના માટેની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પાછલા દિવસમાં તેમાં 61,329નો વધારો થયો છે અને એક્ટિવ કેસનો આંક 11 લાખ 2 હજાર 370 પર પહોંચી ગયો છે.
મુખ્ય રાજયોની પરિસ્થિતી
1. મહારાષ્ટ્ર
શનિવારે અહીં 55,411 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 53,005 દર્દીઓ સાજા થયા અને 309 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 33.43 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 27.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,638 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.36 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
2. છત્તીસગઢ
શનિવારે રાજ્યમાં 14,098 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4983 લોકો સ્વસ્થ થયા અને 81 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.32 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.42 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4735 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 85,902 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સંક્રમણની સરખામણીએ એક્ટિવ દર અહીં દેશમાં સૌથી વધુ છે. હાલમાં અહીં 18.4% એક્ટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
3. ઉત્તરપ્રદેશ
શનિવારે 12,748 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 2207 લોકો સાજા થયા અને 46 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 6.76 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.08 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,085 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 58,801 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
4. દિલ્હી
શનિવારે રાજ્યમાં 7,897 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 5,716 લોકો સાજા થયા અને 39 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 7.14 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.74 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 11,235 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાં 28,773 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
5. ગુજરાત
શુક્રવારે રાજ્યમાં કોરોનાના 5,011 નવા કેસ નોંધાયા હતા. 2525 લોકો સાજા થયા અને 49 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 3.42 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી3.12 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4746 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. અહીં 25,129 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
6. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે 4,986 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 2,741 લોકો સાજા થયા અને 24 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 3.32 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.95 લાખ લોકો સાજા થયા છે. 4160 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 32, 707 દર્દીઓની સારવાર ચાલી રહી છે.