કોરોનામાં હોમ આઇસોલેટ દર્દીને નહી મળે રેમડેસિવીર ઇન્જેક્શન
ગાંધીનગર :
જો આપ કોવિડ પોઝીટીવ છો , હોમ આઇસોલેટ છો ને ડોક્ટરે રેમડેસિવર ઇન્જેક્શનની ભલામણ કરી હોય તો આપના માટે આ જાણવું જરુરી છે. રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની સખત તંગી છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીક સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર રેમડેસિવીર ઇન્જેક્શન માત્ર કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલો માટે જ ફાળવી શકે તેવી સ્થિતિમાં છે. હોમ આઇસોલેટ દર્દીને ડોકટરની ભલામણ છતાં રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ નહી થઇ શકે, કારણકે એટલુ ઉત્પાદન જ નથી. ત્યારે હોમ આઇસોલેટ દર્દી માટે સ્વજનો ઇન્જેક્શન માટે વિવિધ જગ્યાએ હવે ધક્કા ખાવાનું ટાળે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ફેક માહિતીથી ગેરમાર્ગે ના દોરાય તેવી અપીલ છે.
આરોગ્ય વિભાગના અધિકારીક સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર હોમ આઇસોલેટ દર્દી માટે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલથી લઇને સરકારી દવાની દુકાનોમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન બાદ પણ રેમડેસિવીર ઇન્જેક્શન નહી મેળવી શકાય. અત્યાર સુધી ઝાયડસમાં પ્રિસ્ક્રીપ્શન ઉપર ઉપલબ્ધ રેમડેસિવીર ઇન્જેકસન ઉપલબ્ધ હતા પરંતુ હવે તમારે રેમડેસિવર ઇન્જેક્શનની જરુર હશે તો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવુ પડશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કાળો કેર વરતાવ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ આઠ મહાનગરપાલિકાઓની છે. સુરત, અમદાવાદ ,ગાંધીનગર જયાં જુવો ત્યા એમ્બ્યુલન્સની લાંબી કતારો અને હોસ્પિટલમાં બેડ ફુલની સ્થિતિ નજરે પડી રહી છે. કેટલીક હોસ્પિટલોમાં બેડ તો છે પરંતુ ઓક્સિજન બેડ ખાલી નથી. આવી સ્થિતિમાં લોકોને ઘરે જ હોમ આઇસોલેટ થઇને સારવારની સલાહ આપવામા આવે છે.પરંતુ ઘરે રહીને સારવાર લેનારાઓને હાલ રેમડેસિવીર ઇન્જેક્શનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્વાભાવિક પણે જ ઘરે આઇસોલેટ દર્દીને જ્યારે ડોકટર રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની ભલામણ કરે છે ત્યારે દર્દીના સગા પ્રિસ્ક્રીપ્શન સાથે ઠેર ઠેર ભટકે છે. એમાંય સોશિયલ મીડિયા પર ઓક્સિજન અને રેમડેસિવીર કયાં મળશે તેને લઇને જાત જાતના મેસેજ ફરતા થતા દર્દીના સગા વહાલા ગોથે ચડી જાય છે ને મજબૂર માણસ જેટલા પત્થર તેટલા દેવ પૂજે એમ વિવિધ એડ્રેસો પર ઇન્જેક્શન માટે ભટક્યા કરે છે.
અત્યાર સુધી હોમ આઇસોલેટ દર્દીઓને અમદાવાદની ઝાયડસ જેવી હોસ્પિટલો 900 રુપિયાની કિંમતની આસપાસ એક ઇન્જેક્શન ડોકટરના પ્રિસ્ક્રીપ્શન પર આપતી હતી પરંતુ ગઇકાલથી તેઓ એ પણ વેચાણ બંધ કરતા કોરોના પીડિતોની અને તેના કરતાય તેમના સ્વજનોની હાલત કફોડી બની છે.
ઝાયડસ હોસ્પિટલ ફરી ક્યારે વેચાણ શરુ કરશે તેની સ્પષ્ટતા નથી. બીજી તરફ અમદાવાદની ઝાયડસ સિવાય અન્ય કોઇ કંપની ગુજરાતમાં ડાયરેકટ દર્દીને રેમડેસિવીરનું વેચાણ કરતી નથી ત્યારે યક્ષ પ્રશ્ન એ બન્યો છે કે જે દર્દીઓને હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી ને ઘરે સારવાર દરમ્યાન રેમડેસિવીરની જરુર છે તેઓને આ ઇન્જેક્શન ક્યાંથી ઉપલબ્ધ થશે? ત્યારે આ અંગે આરોગ્ય વિભાગના ટોચના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જેમનું પણ ઓક્સિજન લેવલ ડાઉન જઇ રહ્યુ હોય, તેઓએ હોસ્પિટલમાં ભરતી થવું આવશ્યક છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ જ તેઓ રેમડેસિવીર ઇન્જેક્શન મેળવી શકશે. બાકી હોમ આઇસોલેશન દરમ્યાન ડોકટરની ભલામણ હોવા છતા તેઓને હવે રેમડેસિવીર ક્યાંયથી પણ ઉપલબ્ધ થશે નહીં.