શું હવે તો ગુજરાતમાં લોકડાઉન જ છે અંતિમ ઉપાય!: 5 મહાનગરના મેડિકલ એસો.- વેપારીઓની લોકડાઉન માટે ભલામણ
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ કથળવા લાગી છે. એમાં પણ છેલ્લા એક મહિનાથી તો કોરોના વિસ્ફોટ થયો છે અને એક ઘર છોડીને એક ઘરે દસ્તક આપી દીધી છે તેમજ નિષ્ણાતો હજુ પણ કોરોના સંક્રમણ વકરવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. હાલ ગુજરાત સરકારના હાથમાંથી બાજી સરકી ગઈ છે અને દર્દીઓને બેડ કે ઓક્સિજન પૂરાં પાડવાની સ્થિતિમાં રહી નથી. જો હજુ પણ સંક્રમણ કાબૂમાં નહીં આવે તો આવતીકાલે શું થશે એ અંગે કહેવું અને કલ્પવું અશક્ય છે. બીજીતરફ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન કરવાની ના પાડી છે, ત્યારે મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને જનતા સહિત સૌકોઈ આ સ્થિતિ વચ્ચે હવે રાજ્યમાં લોકડાઉનની માગ બળવત્તર બનવા લાગી છે.
ગુજરાત સરકાર લોકડાઉન કરવા તૈયાર નથી, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરના વેપારીઓ અને ડોક્ટર્સ સાથે લોકડાઉન કરવું જોઈએ કે નહીં એ મામલે વાતચીત કરી હતી. રાજ્યનાં 6 શહેરમાંથી 5 શહેરનાં મેડિકલ એસોસિયેશન અને વેપારીઓએ લોકડાઉન કરવું જરૂરી હોવાનો મત વ્યક્ત રજૂ કર્યો હતો.
મોદીએ કહ્યું કે, કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. પરંતુ દેશને લોકડાઉનથી બચાવવાનું છે, રાજ્યો પોતાને ત્યાં લોડકાઉનને અંતિમ હથિયાર તરીકે ઉપયોગ કરે. આપણે આ રીતે અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારી શકશું.
લોકડાઉન અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવી જણાવે છે કે કોરોનાના વાયરસમાં મ્યૂટેશન થતાં એની સંક્રમણશક્તિ વધી છે, જેને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે વાયરસની મારણશક્તિ ઘટી છે. લોકો આજેય માસ્ક વગર ફરી રહ્યા છે. વાયરસની ચેન તોડવા 3થી 4 દિવસના લોકડાઉનને બદલે 15 દિવસનું લોકડાઉન જરૂરી છે.
AMAના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇ કહે છે, કોરોના સંક્રમણ વધવા પાછળ વાયરસમાં મ્યૂટેશન, હાલની સીઝન જવાબદાર છે. લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો વાયરસની ચેન તોડવા માટે સરકાર પાસે કર્ફ્યૂ કે લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.
જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશને GCCIને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. GCCIને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ફક્ત ખૂબ જરૂરી હોય તેવી જ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ચાલુ રાખવામાં આવે (શક્ય હોય તો અડધી ક્ષમતા સાથે), બાકીની ઓછામાં ઓછાં બે અઠવાડિયાં માટે બંધ કરવામાં આવે, જેથી કોવિડના ચેપની સાંકળને તોડી શકાય. તેમજ કારીગરોને સુપર સ્પ્રેડર બનતાં અટકાવવા માટે તમામ કારીગરો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવે.
સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની માગ સાથે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. હેલ્થ સ્ટાફની જેટલી ક્ષમતા છે ત્યાં સુધી સેવા આપી રહ્યા છે, પરંતુ જો આ સ્ટાફની ધીરજ ખૂટી જશે અને હેલ્થ સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
જ્યારે સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા શહેરમાં એક સપ્તાહ લોકડાઉનની માગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. એ મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં, આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માગ કરાઈ છે.
રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોનાની ચેન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવાની જરૂર હોવાની રજૂઆત કરી છે. IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, વડોદરાના પ્રમુખ પરેશ મજમુદારે જણાવ્યું હતું કે હું IMA, વડોદરાના પ્રમુખ તરીકે નથી કહેતો પણ મારો પર્સનલ અભિપ્રાય છે કે કોરોનાની ચેન તોડવા માટે આંશિક લોકડાઉન જરૂરી છે, પરંતુ લોકડાઉન માટે આર્થિક, વેપાર રોજગાર સહિતનાં અનેક પાસાંનું ધ્યાન રાખવું પડતું હોય છે. જો લોકો જ સમજે અને ઘરની બહાર ન નીકળે તો લોકડાઉનની જરૂર નથી.