પાટનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છતાંય ઓકસીજન સપ્લાઇ ઘટાડાયો, આજે નવા 331 કેસ નોંધાયા
ગાંધીનગર :
પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજન સપ્લાયની માત્રા અચાનક જ ઘટાડી દઈ 30 ટકા સુધી કરી દેવામાં આવતા દર્દીઓ રામ ભરોષેની સ્થિતિમાં મુકાઈ ગયાં છે. ત્યારે આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 162 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 169 કોરોના કેસો મળી આવતા કોરોનાનો આંકડો 331 નોંધાયો છે.ત્યારે 141 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જેની સામે આજે 34 લોકોને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.
આજે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને 331 કેસ કોરોનાના સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 162 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારોમાં 168 કોરોના કેસો મળી આવ્યા છે. તો 48 દર્દીઓએ કોરોના સામે વિજય મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીનો કુલ 1લાખ 78 હજાર 116 લાભાર્થીઓ ને પ્રથમ ડોઝ તેમજ 48 હજાર 152 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત 45થી 60 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા અને 60 વર્ષની વય ઉપરના 1 લાખ 48 હજાર 500 ને પ્રથમ ડોઝ તેમજ 30 હજાર 498 લાભાર્થીને કોરોનાં રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.