ગુજરાતની તમામ સરકારી યુનિ.ઓ અને કોલેજોમાં ૧ મેથી ૫ જુન વેકેશન
અમદાવાદ
સ્કૂલો બાદ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન ખાનગી,ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં ૧લીમેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.જે ૫મી જુન સુધીનું રહેશે.
રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળની તમામ સ્કૂલોમાં ૩મેથી ૬ જુન સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે.જ્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ૧લીમેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. યુનિ.ઓના તમામ ભવનો અને યુજી-પીજી કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો-ટીચિંગ સ્ટાફ માટે ૫ જુન સુધીનું ઉનાળુ વેકેશન રહેશે.કુલ ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. ગુજરાત યુનિ.ની ડીન મીટિંગમાં ૧લી જુનથી ૧૭ જુલાઈ સુધીનું ઉનાળુ વેકેશન રાખવાની ભલામણ થઈ હતી અને સરકાર દ્વારા તમામ યુનિ.ઓ માટે કોમન વેકેશન જાહેર થાય તે પહેલા યુનિ.દ્વારા નક્કી કરવામા આવ્યુ હતુ પરંતુ જાહેર કરવામા આવ્યુ ન હતું. જો કે યુનિ.એ નક્કી કરેલા અને સરકારે જાહેર કરેલા વેકેશનમાં બહુ મોટો ફેર છે.
તમામ સરકારી યુનિ.ઓમાં યુજીની પ્રથમ સત્રની પરીક્ષાઓ હજુ બાકી છે ત્યારે આ પરીક્ષાઓ ઓનલાઈન લેવાયા બાદ હવે જુનમાં જ યુજી-પીજીની ઉનાળુ સત્રની પરીક્ષાઓ થશે .જો કે આ વર્ષે બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપી દેવાય અને માત્ર યુજી-પીજી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકેડેમિક કેલેન્ડર ખોરવાયુ છે અને કોરોનાને લીધે કોલેજો શરૃ ન થઈ શકતા તેમજ વિદ્યાર્થીઓની સમયસર પરીક્ષાઓ ન લઈ શકાતા ખાસ કરીને ઉચ્ચ શિક્ષણને ખૂબ જ ગંભીર અસર થઈ છે.