ભરુચમાં મોતની આગ : કોવિડ હોસ્પિટલમાં આગ દર્દીઓ સહિત ૧૮ જીવતા ભૂંજાયા!
ભરૂચ :
ગુજરાત ફરી એકવાર અગ્નિકાંડની કરૂણાંતિકાથી ધ્રુજી ઉઠ્યું છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ લાગતાં 18 લોકો જીવતા ભૂંજાયા છે. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે 25થી વધુ એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા. પરંતુ આગ એટલી ભયંકર હતી કે 16 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU-1માં અચાનક આગ લાગતા 16 જેટલા લોકો બળીને ભડથું થઇ ગયા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને બચાવીને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારનાં 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા. જોકે સમગ્ર ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.