’દેશને નવા વડા પ્રધાનની જરૂર છે’, બોલીવૂડની આ એક્ટ્રેસે આપ્યુ ચોંકાવનારુ નિવેદન
કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. ઓક્સિજનથી લઈ દવા, હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે. આ બધું જોયા બાદ સ્વરા ભાસ્કર કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર પર ભડકી છે. તેણે કહ્યું હતું કે હવે દેશને નવા વડાપ્રધાનની જરૂર છે.
શેખર ગુપ્તાની પોસ્ટ પર જવાબ આપ્યો
પત્રકાર શેખર ગુપ્તાએ હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નવી ટીમની જરૂર છે. જો PMO ઈચ્છે છે કે દેશ ચાલતો રહે, આગળ વધતો રહે.
સ્વરા ભાસ્કરે આ પોસ્ટ પર જવાબ આપતાં કહ્યું હતુ, ‘ભારતને એક નવા વડાપ્રધાનની જરૂર છે. જો ભારતીયો પોતાના સંબંધીઓને શ્વાસ માટે હાંફતા જોવા નથી માગતા. તો..’
સો.મીડિયામાં સ્વરા ભાસ્કર પોતાની પોસ્ટને કારણે ટ્રોલ થઈ છે અને #SwaraBhaskar ટ્રેન્ડ કરી રહ્યું છે. અનેક યુઝર્સે સ્વરા ભાસ્કરને આડેહાથ લીધી છે. એક યુઝરે કહ્યું હતું, માફ કરજો. 2024 પહેલાં તો આવું થઈ શકે તેમ નથી તો અન્ય એકે કહ્યું હતું કે આ સ્વરા ભાસ્કર છે કોણ?
હાલમાં જ બંગાળ ચૂંટણી પર રિએક્શન આપ્યું હતું
હાલમાં જ સ્વરાએ બંગાળમાં ભાજપ હારી જતાં એક પોસ્ટમાં કહ્યું હતું, ‘બંગાળની 70 ટકા વસતી હિંદુ છે અંકલ, હિંદુઓની લાત ખાધી છે તમે.’
સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયામાં અવાર-નવાર ટ્રોલ થતી રહે છે. લોકસભા ચૂંટણી સમયે સ્વરાએ આપ તથા કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. તે સમયે પણ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ખાસ્સી ટ્રોલ કરી હતી.
સ્વરા ભાસ્કર છેલ્લે 2018માં બોલિવૂડ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી. બે વર્ષ પહેલાં સ્વરા તથા હિમાંશુ શર્માના સંબંધોનો અંત આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્વરા તથા હિમાંશુ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે, હવે તેઓ પોતાના સંબંધને આગળ લઈ જવા માગતા નહોતાં. હાલમાં બંને સારા મિત્રો છે અને એકબીજા સાથે વાત કરે છે. ચર્ચા છે કે સ્વરા આજકાલ સ્વ. એક્ટર ગિરીશ કર્નાડના દીકરા રઘુ કર્નાડને ડેટ કરે છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશનશિપ પર કોઈ વાત કરી નથી.