કેન્દ્ર સરકાર ગુજરાતને પૂરતો ઑક્સિજન આપતી નથી : રૂપાણી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું
ગાંધીનગર :
કોરોનાની સ્થિતિ મુદ્દે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં કેન્દ્ર સરકાર તરફથી પુરતો ઓક્સિજન ન મળતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મળતો ન હોવાની વાત ગુજરાત સરકારે કરી છે. આ સાથે સરકારે કહ્યું કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થતી નથી.
મહત્વનું છે કે, રાજ્યોમાં સરકારોની કામગીરીને લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે. ત્યારે ગુજરાત સરકારના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં કેટલાક ખુલસા થયા છે. જેમાં ગુજરાત સરકારે કહ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ કર્યા છે. સાથે હોસ્પિટલોમાં એડમિશન માટેની યુનિફોર્મ પોલિસી દાખલ કરી છે. આ સાથે સરકારે પોતાની કામગીરી દર્શાવી કે, રાજ્યમાં અત્યાર સુધી 1.28 કરોડ રસીના ડોઝ અપાયા. સાથે ઓફલાઇન રજિસ્ટ્રેશન હાલ વ્યવસ્થા નહીં હોવાની પણ ગુજરાત સરકારની કબૂલાત કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ સિવાય રજિસ્ટ્રેશન માટે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે. અને સાથે દાવો પણ કર્યો છે કે, રાજ્ય સરકાર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરશે. સોગંદનામામાં જણાવ્યું કે, આગામી 6 મેની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોવિશિલ્ડના 3,95,920 ડોઝ ઉપલબ્ધ થશે. અને કોવેકસીનના 2,00,490 ડોઝ ઉપલબ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,064 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.