Uncategorized

આજે વર્લ્ડ નર્સિંગ ડે: શહેરના એવાં નર્સોને જેમણે પોતાનો વિચાર કર્યા વિના સેવા કરી

કોરોનાનો એવો કેર વર્તાયો છે કે માનવી ઘરમાં જ કોરોનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો. આ સમયે કોરોનાના ભયાનક રાક્ષસની સામી છાતીએ બાથ ભીડી હોય તો તે છે તબીબી જગત. તેમાં પણ સંક્રમિત દર્દી સાથે રહી સાજા કરવાની જવાબદારી નર્સિંગ ક્ષેત્રે કાર્ય કરતા બહેનો-ભાઇઓની હતી. આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ છે ત્યારે સિટી ભાસ્કર વાચકો સમક્ષ અમદાવાદના એવાં નર્સની વાત લાવ્યું છે કે જેમણે ભૂખ્યાં રહી, પર્સનલ હાઇજીન ખોરવી, સ્વજનને ખોઇ, જીવને જોખમે કોરોનાને હરાવ્યો છે.

પિરિયડ્સમાં ડબલ પેડ્સ પહેરીને પણ કામ કર્યું
અમારે પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેવું પડે છે. જમવાનું ન ભાવે એ દિવસે ભૂખ્યા પેટે પણ કામ કર્યુ છે. PPE કિટને કારણે ગરમીમાં અતિશય પરસેવો થાય છે, હાથમાં રેશિસ પણ થઇ ગયા છે. ક્યારેક તો શૂઝ કવર પરસેવાથી ભરાઈ જાય છે. પિરિયડ્સના દિવસોમાં ડબલ પેડ્સ સાથે ડ્યૂટી કરવી પડે છે કારણ કે એકવાર કિટ પહેરીએ પછી ચેન્જ કરવી મુશ્કેલ છે. – પ્રણાલી કથિરિયા, સ્ટાફ નર્સ (GCRI)

PPE કિટને લીધે 5 કલાક યુરિન રોકી ડ્યૂટી કરી
પી.પી.ઈ. કિટ પહેરું એ પહેલા જ પૂરતું પાણી પી લેતી, કિટને કારણે યુરિન જવાની મુશ્કેલી પડતી હતી. ઘણીવાર 5-6 કલાક યુરિન રોકીને પણ ડ્યૂટી કરી છે. કોરોનાના સેકન્ડ વેવમાં ડ્યૂટી કરવી ઈમોશનલી અને ફિઝિકલી ચેલેન્જિંગ લાગી. ઘણીવાર પેશન્ટના પરિવારજનો ડોક્ટર્સ અને સ્ટાફને અપશબ્દો બોલે, ગુસ્સો કરે, સારવાર ન મળવાથી મોત થયાના આક્ષેપ લગાવે. ત્યારે અમે એમને સમજાવીએ છે કે કોરોના વોર્ડમાં રહેલા દરેક પેશન્ટ ઝડપથી સ્વસ્થ થાય એ માટે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ. – ઝલક માસ્ટર, સ્ટાફ નર્સ (GCRI)

હું નર્સ છું, મારી દીકરીને અન્ય નર્સ સંભાળે છે
હું એક નર્સ છુ અને મારા પતિ પણ જોબ કરે છે. મારી 4 વર્ષની બાળકી છે. જેની દેખરેખ પણ જરૂરી છે. માટે મેં જોબ છોડવાનો વિચાર કર્યો હતો. પરંતુ મારી સાથે કામ કરતી નર્સે મને તેની દેખરેખ કરવાનું જણાવ્યું હતું. જેથી રોજ સવારે જોબ પર જતા હું મારી દીકરીને નર્સના ઘરે મૂકી જતી અને રાત્રે ઘરે પરત ફરતા તેને લઇ જતી હતી. આખો દિવસ મારી દીકરીને હોસ્પિટલની નર્સ જ સંભાળે છે. નર્સે જો મને મદદ ન કરી હોત તો આજે હું દર્દીઓની જે સેવા કરી શકે તે ન કરી શકી હોત. – રોનાલી ગટશી- નર્સ, મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર

દર્દીનો શ્વાસ રુંધાય તો અમારો પણ રુંધાતો હોય છે
મને કોરોના થયો હતો. 10 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવતા હું પાછી નર્સિંગ હોમ આવી ગઇ. પરિવારે મારી તબિયત જોતા મને રજા લઇને આરામ કરવાનું કહ્યું, પણ સ્ટાફ ઓછો હોવાને કારણે મારી ટીમને મારી જરુર હતી. મેં પાછા ડ્યુટી પર જવાનો નિર્ણય કર્યો. ઘરે રહેતી તો મારું શરીર જ ઘરે રહેતું, મન તો દર્દીઓ પાસે જ જતું. કારણ કે દર્દીનો શ્વાસ રુંધાય છે ત્યારે અમારો શ્વાસ પણ રુંધાતો હોય છે, તેમની તકલીફ જોઇને અમને પણ દુઃખ થાય છે. પરંતુ તેમને બચાવવાનો વિચાર અમને ઊર્જા આપે છે. – સાલી કે. અચ્ચનકુંજુ, મેટ્રન, મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર

આંખ સામે પિતાની સારવાર, છતાં બચાવી ના શક્યો
2012થી સોલા સિવિલમાં જાેબ કરું છું. પિતા પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમની સારવાર મારી આંખો સામે થતી. અન્ય પેશન્ટ જેટલી જ કાળજી તેમની પણ લેતો હતો. અચાનક તેમનું ઓક્સિજન લેવલ ઓછું થવા લાગ્યું અને અંતે તેમનું અવસાન થયું. આટલા સમયમાં કેટલા બધા કોરોના પેશન્ટની સારવાર કરી પણ મારા પિતાને હું બચાવી ના શક્યો. – હાર્દિક ચાૈહાણ, સોલા સિવિલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x