રાષ્ટ્રીય

ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલનુ કોરોનાથી નિધન

નવી દિલ્હી

ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 94 વર્ષના હતા.

તેમને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડોકટરો તેમના બ્લડ સુગર લેવલ અને ઓક્સિજન લેવલને સંતુલિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તેમને સફળતા મળી નહોતી. કોવિડ આઈસીયુ વોર્ડમાં ભરતી બહુગુણાને પહેલા તો આઠ લિટર ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા પણ બાદમાં તેમની તબિયત લથડી હતી.

સુંદરલાલ બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના ટિહરી જીલ્લામાં થયો હતો. 13 વર્ષની વયે તેમણે મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવા માટે આંદોલન છેડ્યુ હતુ. તેમણે 1956માં લગ્ન બાદ રાજકીય સન્યાસ લઈને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવા માટે પોતાના પત્ની વિમલા નૌટિયાલ સાથે પર્વતીય નવજીવન મંડલની સ્થાપના કરી હતી. તેમણે 1970માં વૃક્ષો કાપવાનો વિરોધ કરવા માટે ચિપકો આંદોલનની શરુઆત કરી હતી. 1974માં જ્યારે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચ્યા ત્યારે બહુગુણા અને તેમના કાર્યકરો વૃક્ષોને ભેટીને ઉભા રહી ગયા હતા. આ આંદોલને આખા ભારતનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેમણે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 15 વર્ષ સુધી વૃક્ષો નહીં કાપવા માટે અપીલ કરી હતી. એ પછી વૃક્ષો કાપવા પર 15 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો.

1980માં બહુગુણાએ હિમાલયની 5000 કિમીની યાત્રા કરી હતી. તત્કાલિન પીએમ નરસિંહરાવના શાસનમાં તેમણે ટિહરી ડેમના વિરોધમાં દોઢ મહિના સુધી ભૂખ હડતાળ કરી હતી. જોકે 2004માં  બંધનુ કામ ફરી શરુ કરાયુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x