મ્યુકરમાઈકોસિસના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા
કોરોનાવાયરસનાં કહેર વચ્ચે હવે દેશભરમાં ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકરમાઈકોસિસમાં વાઈટ અને બ્લેક ફંગસનો ભરડો ફાટી નીકળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને UP સહિત રાજ્યોમાં અત્યારસુધી બ્લેક ફંગસના દેશમાં 8848 કેસ સામે આવ્યા છે, જેમાંથી 200થી વધારે લોકોના મોત નીપજ્યાં છે. ગુજરાતમાં અત્યારસુધી દેશના અન્ય રાજ્ય કરતા સૌથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણને કારણે ઘણા દર્દીઓ અંધ પણ થઈ ગયા છે.
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ભારતમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં મ્યુકરના સરકારી ચોપડે 2281 કેસ નોંધાયા છે. કેન્દ્રના આંકડા મુજબ દેશમાં 8848 કેસ નોંધાયા છે.
અત્રે નોંધનીય છે કે સમગ્ર દેશમાં હરિયાણાએ સૌથી પહેલા મ્યૂકરમાઈકોસિસની બિમારીને મહામારી તરીકે જાહેર કરી દીધી હતી. ત્યારપછી રાજસ્થાને પણ આ પ્રમાણે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી હતી. કેન્દ્ર સરકારે તમામ પરિસ્થિતિનું અવલોકન કરતા પ્રત્યેક રાજ્યોને જણાવ્યું હતું કે આ બીમારીને પેન્ડેમિક એક્ટ હેઠળ નોટિફાય કરવી જોઈએ. ત્યારપછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, તેલાંગાણા અને તમિલનાડુએ પણ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર સિવિલમાં મ્યુકરમાઈકોસિસના 25 દર્દી નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. 35 બેડનો એક વોર્ડ અને એક ઓપરેશન થિયેટર પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 7 લોકોના ઓપરેશન કરવાની જરુર પડી હતી. મોટાભાગના દર્દી પોસ્ટ કોવિડ ડાયાબીટીસ વાળા આવે છે. મ્યુકરમાઈકોસિસ માટેની ઓપીડીમાં રોજ 7-10 દર્દીઓ આવતા હોય છે. બધાને મ્યુકરમાઈકોસિસ હોય એવુ જરૂરી નથી. એક ઓપરેશન થીએટર પણ અલગ તેના માટે રખાયું છે.