ગુજરાત

જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે ધો.5નાં વિદ્યાર્થીઓને જીવના જોખમે શિક્ષણ અપાતું હોવાનું સામે આવ્યું

સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરકારની ગાઈડલાઈન્સનો ઉલાળ્યો થયો હોય તેમ તંત્રને અવગણી સંચાલક દ્વારા ધો. 5 ના 500 થી પણ વધુ વિદ્યાર્થીના કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ અંગેની બાતમી મળતાં જસદણ મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પોલીસે પકડી પાડ્યો હતો તેમજ તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ જસદણ પોલીસમાં મામલતદાર દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ક્લાસમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આ કોચિંગ ક્લાસમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાનાં બાળકો હોસ્ટેલમાં હતાં. તમામ વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાંથી મામલતદારે છોડાવ્યા હતા અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 24 કલાકમાં તમામ બાળકોને પોતાનાં માતા-પિતાને પહોંચાડવામાં આવશે એવી મામલતદારે ખાતરી આપી હતી.

ક્લાસના સંચાલક દ્વારા 500 થી વધુ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કેટલું મોંઘું પડી શકે છે એ અંગે વિચાર પણ આવ્યો નહીં હોય, બાળકોના જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની ? તેવા સવાલો લોકોમાં ઊઠ્યા છે. જસદણના ચિતલિયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાચડી માં પ્રવેશ મેળવવા માગતા ધો.5ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંગ ગલચરને થઈ હતી.

આથી મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા. અહીં પહોંચતાં 500થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું સામે આવતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા, આથી ગંભીર બેદરકારી બદલ ક્લાસ-સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.

આ મામલે વાલીઓ પણ બેજવાબદાર ગણાય છે, તેમણે કોરોના મહામારીમાં પોતાનાં સંતાનોના જીવને જોખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા એવી પણ ચર્ચા લોકોમાં ઊઠી રહી છે. આલ્ફા હોસ્ટેલ દ્વારા તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી છે કે પોતાનાં સંતાનોને 24થી 25 મે સુધીમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં લઇ જવા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x