પાટનગરમાં 40 દિવસમાં 100% રસીકરણ કરવા દરરોજ 4500 લોકોને રસી આપવી જરૂરી
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સોમવારથી વધુ 10 સેન્ટરો પર વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. 18થી 44 વર્ષના નાગરિકો માટે શરૂ કરાયેલા 10 સેન્ટરને પગલે મનપા વિસ્તારમાં કુલ 20 સેન્ટર થઈ ગયા છે. આ 20 કેન્દ્ર પરથી રોજ 4000 લોકોને રસી આપવાનું આયોજન કરાયું છે. આમ ગાંધીનગરમાં રોજ 4500 લોકોને રસી અપાય તો 40 દિવસમાં પહેલાં ડોઝનું 100% રસીકરણ પૂરું થાય તેવી શક્યતા રહેલી છે.
પહેલાં 10 સેન્ટરો પર સેન્ટરદીઠ 150 જેટલા લોકોને રસી અપાતી હતી. હવે 20 સેન્ટર પર સેન્ટરદીઠ 200 લાભાર્થીઓને એટલે કુલ 4 હજાર નાગરિકોને રસી આપવામાં આવશે. સોમવારે પ્રથમ દિવસે નવા 10 સેન્ટર્સ પર 1873 લોકોને રસી અપાઈ હતી. મનપા વિસ્તારના નવા-જુના કુલ 20 સેન્ટર્સમાં 18 વર્ષથી ઉપરના કુલ 3750 લોકોને સોમવારે રસી આપવામાં આવી હતી. જ્યારે સોમવારે મનપા વિસ્તારમાં 45 વર્ષથી વધુ વયના કુલ 772 નાગરિકોને રસી અપાઈ હતી. મનપા વિસ્તારમાં નાગરિકો સાથે સરકારી કચેરીઓ સહિતના ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ રસી અપાઈ છે, જેમાં મનપા વિસ્તારમાં 1,33,398 લોકોને કોરોનાની રસી અપાઈ છે. જેમાં 97,249ને પ્રથમ ડોઝ અને 36,149 લોકોને બીજો ડોઝ અપાયો છે.
અંદાજે 1.95 લાખ નાગરિકને રસી આપવાની બાકી છે
નાગરિકોની વાત કરીએ તો ગાંધીનગરમાં 18 વર્ષથી ઉપરના 25925 નાગરિકો, 45 વર્ષથી વધુ વયના 31448 નાગરિકો અને તથા 60 વર્ષથી વધુ વયના 29969 નાગરિકોને રસી આપવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી કુલ 87,342 નાગરિકોને રસી આપવામાં આવી છે. મનપા વિસ્તારમાં 18 વર્ષથી ઉપરના અંદાજે 2,82,380 નાગરિકો છે. એટલે કે હજુ 1.95 લાખ જેટલા નાગરિકોને રસી આપવાની બાકી છે. હાલની સ્થિતિએ મનપા વિસ્તરામાં દરરોજ 4500 જેટલી રસી અપાય છે ત્યારે આ સરેરાશે મનપા વિસ્તારના બાકી નાગરિકોને રસી આપવામાં 40 દિવસથી વધુ સમય લાગશે.
સોમવારથી શરૂ કરાયેલાં નવાં સેન્ટર અને તેમાં થયેલું રસીકરણ
સેન્ટર | રસીકરણ |
સુઘડ કોમ્યુનિટી હોલ- | 185 |
કોબા પ્રાથમિક શાળા- | 190 |
ઈન્દ્રોડા પ્રાથમિક શાળા- | 185 |
બોરીજ જૈન દેરાસર-કોમ્યુનિટી હોલ- | 187 |
પેથાપુર સરકારી દવાખાનું- | 188 |
સેક્ટર-21 સરકારી દવાખાનું- | 186 |
સેક્ટર-27 સરકારી શાળા | 190 |
પાલજ અર્બન હેલ્થ સેન્ટર- | 180 |
સેક્ટર-24 અર્બન હેલ્થ સેન્ટર- | 192 |
પીપી યુનિટ સિવિલ હોસ્પિટલ- | 190 |