ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 62 કેસ નોંધાયા અને 7 લોકોના મોત
Mucormycosis :
રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત્ છે. અમદાવાદ સહિત રાજ્યની 5 શહેરોની સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 62 નવા કેસ સામે આવ્યા છે, તો વધુ 7 લોકોનો બ્લેક ફંગસે (Black Fungus) જીવ લીધો છે. મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરમાં 20 નોંધાયા છે, જ્યારે વડોદરા શહેરમાં નવા 19 કેસ નોંધાયા છે તથા ત્રણ દર્દીના મોત થયા છે.
અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસના નવા 14 કેસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા 14 કેસ નોંધાયા હતા, જ્યારે સારવાર લઇ રહેલા બે દર્દીના મોત થયા. આ સાથે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 625 જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તો બીજી તરફ 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઇટિંગમાં છે. આ તરફ, સુરતમાં (Surat) નવા છ દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યારે સારવાર લઈ રહેલા બે દર્દીનાં મોત થયાં છે. જામનગરમાં ત્રણ દર્દી નવા દાખલ થયા.
બ્લેક ફંગસમાં કુલ 2381 કેસ
અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોના જડબા-તાળવાં-આંખ કાઢી લેવા પડયા છે. રાજ્યમાં અત્યારે પણ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી બ્લેક ફંગસના 2381 કેસ અને 81 મૃત્યુ નોંધાયા છે. શહેરી વિસ્તારો ઉપરાંત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકોરમાઈકોસિસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં વ્હાઈટ ફંગસના ત્રણ કેસ નોંધાયા છે.
જે ત્રણેય દર્દી સાજા થઈ ગયા છે, રાજકોટમાં હજુ સુધી એકેય વ્હાઈટ ફંગસનો (White Fungus) કેસ સામે આવ્યો ન હોવાનું સૂત્રો કહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ કફોડી છે, ઈએનટી સર્જન જ નથી, જેને કારણે એ વિસ્તારના દર્દીઓનો ધસારો શહેરોમાં વધી રહ્યો છે.