ગુજરાત

ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા પહેલા આ વર્ષે ગુજકેટ : ફોર્મ હજુ ભરાયા નથી

અમદાવાદ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી ૨૪મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને ૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ૧લી જુલાઈથી શરૃ થનાર છે.આમ આ વર્ષે પ્રથમવાર મુખ્ય બોર્ડ પરીક્ષા ગુજકેટ લેવાશે તેવુ લાગી રહ્યુ છે.જો કે હજુ સુધી ગુજકેટ માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ જ ભરવામા આવ્યા નથી અને સરકારે ૧લી જુલાઈથી બોર્ડ પરીક્ષા ગોઠવતા ગુજકેટ પાછી ઠેલાઈ શકે છે પરંતુ બોર્ડ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાયા બાદ એપ્રિલમાં ગુજકેટ લેવાતી હોય છે.દર વર્ષે બોર્ડ પરીક્ષા બાદ જ ગુજકેટ લેવાય છે.અગાઉ મેડિકલ પ્રવેશ માટે ગુજકેટ લેવાતી હતી અને નીટ લાગુ થયા બાદ થોડા વર્ષોથી રાજ્યની કોલેજોમાં ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવે છે.ગત વર્ષે કોરોનાને લઈને ગુજકેટ ઓગસ્ટમા લેવામા આવી હતી અને આ વર્ષે પણ કોરોનાને લઈને બોર્ડ પરીક્ષાઓ અને ગુજકેટ બંને હજુ સુધી લઈ શકાઈ નથી.જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ ઘણા દિવસો પહેલા નક્કી કરી દેવાઈ હતી અને જે મુજબ ૨૪મી જુને રાજ્યભરમાં ગુજકેટ લેવામા આવનાર છે.

મહત્વનું છે કે આ વર્ષે ગુજકેટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વધશે .ગત વર્ષે ૧.૩૦ લાખથી વધુ વિદ્યાર્થીએ ગુજકેટ આપી હતી અને આ વર્ષે ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વધતા ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ પણ વધે તેવી શક્યતા છે.જો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી ગુજકેટ પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ શરૃ કરાયુ નથી. મોટા ભાગે પરીક્ષાના એક મહિના પહેલા જ ઓનલાઈન ફોર્મ ભરાવી દેવામા આવે છે પરંતુ હજુ સુધી રજિસ્ટ્રેશન શરૃ ન થયુ હોઈ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. બોર્ડે નક્કી કરેલી ગુજકેટની તારીખ મુજબ પ્રથમવાર આ વર્ષે ૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પહેલા જ ગુજકેટ લેવાશે કે કેમ ? જો કે સરકારે ૧લી જુલાઈથી ધો.૧૨ની બોર્ડ પરીક્ષા યોજવાનું જાહેર કરતા અને હજુ સુધી ગુજકેટ માટે રજિસ્ટ્રેશન પણ ન થયુ હોઈ ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શ કે છે અને ગુજકેટ જુલાઈના અંતમાં લેવાય તેવી  પણ ચર્ચા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x