આરોગ્યરાષ્ટ્રીય

મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગ નું જોખમ વધ્યુ

કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે.

કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા
ફેફસાંના નિષ્ણાત તબીબ ડો. નીરજ મહેતાએ જણાવ્યું હતું કે સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા છે, સાથે સાથે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે.

ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે, નહિ તો એસ્પરઝિલસ પણ ઘાતક સાબિત થઇ શકે છે. ફૂગના ફૂંફાડા સામે હવે કોરોના વિષાણુ પણ વામણો લાગવા માંડ્યા છે. કોરોના રિકવર થયા બાદ 20થી 40 દિવસની અંદર એસ્પરઝિલસ ફૂગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મ્યુકોરમાઇકોસિસ કરતાં ખર્ચ ઓછો થાય છે
એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર કરતાં એસ્પરઝિલસ સારવારમાં ખર્ચ ઓછો રહે છે.

શું છે એસ્પરઝિલસનાં લક્ષણો?
એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીને તાવ આવવો, કફ ભરાય જવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો જણાતાં હોય છે તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે અને એસ્પરઝિલસ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે હોય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x