ગુજરાત

નડિયાદમાં ખેતા તળાવમાં કરોડોના ખર્ચે બનેલા વોક વે ગેરરીતિથી વિવાદ

નડિયાદ

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલું ખેતા તળાવ વિવાદમાં ઘેરાયું છે. આ તળાવની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર સામે  આવ્યો છે. બે વર્ષ અગાઉ ૧૯૭ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ તળાવના વોક-વેના બ્લોક ઊખડી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ બ્લોક  બેસાડવાના કામકાજમાં ભ્રષ્ટાચારના પૂરાવા મળતા હોબાળો મચ્યો છે.

મળતી વિગતો મુજબ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના હાર્દસમાન વિસ્તારમાં આવેલું અને મિનિ કાકરિયા તરીકે જાણીતું ખેતા તળાવમાં ૨૦૧૯માં ૧ કરોડ ૯૭ લાખ રૂપિયાના ખર્ચે વોક-વે તૈયાર કરવામાં આવ્યો હતો. આ વોક-વેનું રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જોકે તાજેતરમાં આ વોક-વેના બ્લોક ઉખડી જતાં નગરજનો આશ્ચર્યમાં પડયા હતા. તાત્કાલિક બ્લોકને ઉખાડી ઉખાડી ફરી લગાડવાની કામગીરી આરંભાતા નગરજનોને વધુ શંકા ગઈ હતી. શહેરના જાગ્રત નાગરિકોએ સ્થળ તપાસ કરીને મેળવેલી માહિતી પ્રમાણે આ વોક-વેમાં બ્લોક લગાવવા સાથે તેની અંદર પી.સી.સી.નું કામ કરવામાં જ નહોતું આવ્યું. પી.સી.સી.નું કામ થયું જ નથી છતાં તેના બીલો મૂકાઈ પાસ થઈ ગયા હતા. પી.સી.સી.ના કામ વગર બ્લોક ગણતરીના મહિનાઓમાં બેસી ગયા હતા અને તે કારણે ફરી કામ હાથ ધરવું પડયું છેં. જાગ્રત નાગરિકોના જણાવ્યા પ્રમાણે જે-તે કોન્ટ્રાક્ટરે કાગળો પર પી.સી.સી.નું કામ કરેલું છે તેમ દેખાડીને કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો છે.

આ અંગે નડિયાદના ધારાસભ્ય અને વિપક્ષના સ્થાનિક નેતાઓએ પણ સ્થળતપાસ કરીને ચર્ચા કરી હતી. ધારાસભ્યએ યોગ્ય કામ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. બીજી તરફ નડિયાદમાં પાલિકા પાસે ગ્રાન્ટો પાસ કરાવીને આવા અનેક કામકાજમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાએ શહેરના જાગ્રત નાગરિકોમાં જોર પકડયું છે. આ ભ્રષ્ટાચારના મામલાને લીધે તળાવ છેલ્લા એક મહિનાથી બંધ છે. આ વિવાદમાં પણ આપાલિકાના અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓ સહિતના મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા લોકોમાં જામી છે. વગદાર વ્યક્તિઓની રહેમનજર હેઠળ જ આ પ્રકારના ભ્રષ્ટાચાર આચરાતા હોવાની વાતો નગરજનોમાં વહેતી થઈ છે. આ અંગે આર.ટી.આઈ. કરીને તળાવની કામગીરીમાં ચૂકવાયેલા બીલોની વિગતો માગવાની તજવીજ જાગ્રત નાગરિકો દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખેતા તળાવ અંગે તપાસ હાથ ધરવામાં આવશેઃ ચીફ ઓફિસર

નડિયાદના ખેતા તળાવમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે આ અંગે માહિતી મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યા પ્રમાણે આ અંગે પાલિકાને જાણવા મળ્યું છે. પાલિકા તંત્ર દ્વારા આ કામગીરીની ચકાસણી કરાવવા માટે અને ભ્રષ્ટાચાર અંગે સત્તાવાર રીતે તપાસ હાથ ધરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x